<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ચેતજો! ગેમિંગ પ્‍લેટફોર્મથી બાળકોને ફસાવી રહયા છે આતંકી સંગઠનો

૧૧ થી ૧૭ વર્ષના માસૂમ બાળકોને નિશાન બનાવી કટ્ટરપંથી બનાવવાનું આંતરરાષ્‍ટ્રીય ષડયંત્રનો પર્દાફાશઃ બાળકનો સ્‍માર્ટફોન બની રહ્યો છે ‘ડિજિટલ ટ્રેપ' રોબ્‍લોક્‍સ અને માઇનક્રાફ્‌ટ જેવી પોપ્‍યુલર ગેમ્‍સમાં ડિજિટલ શિકારીઓ સક્રિયઃ તાજેતરના વૈશ્વિક રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો

નવી દિલ્‍હી, તા.૧૬: જે ગેમ્‍સને તમે માત્ર મનોરંજન માની રહ્યા છો, તે હવે તમારા બાળકના માનસિક અને સુરક્ષા માટે મોટો ખતરો બની રહી છે. એક તાજેતરના વૈશ્વિક રિપોર્ટ અનુસાર, આંતરરાષ્‍ટ્રીય ઉગ્રવાદી સંગઠનો હવે ફેસબુક કે ટ્‍વિટર જેવા સોશિયલ મીડિયાને છોડીને ગેમિંગ પ્‍લેટફોર્મ્‍સ તરફ વળ્‍યા છે. રોબ્‍લોક્‍સ, માઇનક્રાફ્‌ટ અને ડિસ્‍કોર્ડ જેવા પ્‍લેટફોર્મ્‍સ પર આ ડિજિટલ શિકારીઓ માસૂમ બાળકો સાથે મિત્રતા કેળવે છે અને ધીમે ધીમે તેમને નફરતની વિચારધારા તરફ ધકેલી રહ્યા છે. સરકારો અને વાલીઓ માટે આ એક લાલ બત્તી સમાન કિસ્‍સો છે.

આ સંગઠનોની મોડસ ઓપરેન્‍ડી અત્‍યંત ખતરનાક છે. તેઓ સેન્‍ડબોક્‍સ ગેમ્‍સમાં બાળકોને તેમની મનપસંદ દુનિયા બનાવવામાં મદદ કરવાના બહાને સંપર્ક કરે છે. ખાસ કરીને ૧૧ થી ૧૭ વર્ષના કિશોરો, જેઓ ઘણીવાર એકલતા અનુભવતા હોય અથવા ડિજિટલ દુનિયામાં પોતાની ઓળખ શોધતા હોય, તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. આ ગેમ્‍સમાં હવે એવા મોડ્‍સ (ફેરફાર) કરવામાં આવ્‍યા છે જ્‍યાં બાળકોને કાલ્‍પનિક આતંકવાદી હુમલાઓનું રિહર્સલ કરાવવામાં આવે છે, જે બાળકના કુમળા માનસ પર અત્‍યંત નકારાત્‍મક અસર કરે છે.

સુરક્ષા એજન્‍સીઓ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ પ્‍લેટફોર્મ્‍સ પર સામગ્રી એટલી વિશાળ છે કે તેને ફિલ્‍ટર કરવી અશકય છે. વળી, ગુનેગારો અને પીડિતો બંને ઘણીવાર સગીર હોવાથી કાનૂની કાર્યવાહી ગુપ્ત રાખવી પડે છે, જેના કારણે અન્‍ય વાલીઓને આ જોખમની ગંભીરતા સમજાતી નથી. Minecraft જેવી ગેમ્‍સમાં અગાઉ થયેલા વાસ્‍તવિક હુમલાઓનું રી-ક્રિએશન કરીને બાળકોને હિંસા પ્રત્‍યે સંવેદનહીન બનાવવામાં આવી રહ્યા છે, જે સમાજ માટે લાંબાગાળાનું જોખમ છે.

નિષ્‍ણાતો વાલીઓને અપીલ કરી રહ્યા છે કે તેઓ માત્ર સ્‍ક્રીન ટાઈમ પર જ નહીં, પણ બાળક ગેમમાં કોની સાથે વાત કરે છે તેના પર પણ નજર રાખે. જો તમારું બાળક અચાનક વિચિત્ર કોડ વર્ડ્‍સ વાપરે અથવા એકાંતમાં રહેવાનું પસંદ કરે, તો સાવધ થઈ જવું જરૂરી છે. માત્ર પેરેંટલ કંટ્રોલ એપ ડાઉનલોડ કરવાથી નહીં, પણ બાળકો સાથે ખુલ્લેઆમ સંવાદ કરવાથી જ તેમને આ ડિજિટલ ઝેરથી બચાવી શકાશે.

(11:17 AM IST)