<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

રશિયાના કારણે પછડાશે સોનું રૂ.૧ લાખની અંદર જઈ શકે છે ભાવ

ભારતમાં સોનાના ભાવ ૨૦૨૭ના અંત સુધીમાં ૯૦૦૦૦ રૂપિયાથી એક લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ આસપાસ પહોંચી શકે છે

નવી દિલ્હી તા.૧૬: સોના અને ચાંદીના ભાવમાં જે રીતે સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે તેને જોતા હવે તો રોકાણકારો પણ અસમજંસમાં જોવા મળી રહ્યા છે. જો કે લગ્નગાળા અને પ્રસંગો કે તહેવારો પર ખરીદી કરનારાઓને તો બખ્ખે બખ્ખા જોવા મળી રહ્યા છે કારણ કે અચાનક તોતિગ ભાવ ઘટાડો જોવા મળે તો ખરીદી કરનારાઓને મોજ પડતી હોય છે. વર્ષ ૨૦૨૫માં શાનદાર રિટર્ન આપનારું સોનું  જાન્યુઆરી ૨૦૨૬માં પણ ચમકતું જોવા મળ્યું અને એટલે સુધી કે ૨૯ જાન્યુઆરીએ તો ઓલટાઈમ હાઈ સ્તર પણ પાર કરી લીધું જ્યારે વાયદા બજાર (MCX)માં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૦૭૭૯ રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું. જો કે શુક્રવારે વાયદા બજારમાં સોનું ૧૫૬૨૦૦ રૂપિયા પર બંધ થયું હતું. જે ઓઈ ટાઈમ હાઈથી લગભગ ૧૩.૫૦ ટકા એટલે કે ૨૪૫૦૦ રૂપિયા જેટલું નીચે છે. વૈશ્વિક બજારમાં પણ આ જ સ્થિતિ જોવા મળી. કોમેકસ પર સોનું ૫૬૨૬.૮૦ ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ હાઈથી લગભગ ૧૦.૫૦ ટકા નીચે એટલે કે ૫૦૪૬.૩૦ ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું હતું.

બ્યૂમબર્ગ સમાચાર એજન્સીએના એક રિપોર્ટમાં એક રશિયન ડોકયુમેન્ટ્સને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રશિયા અમેરિકા સાથે આર્થિક ભાગીદારીની સંભાવના શોધી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમનો સૌથી રસપ્રદ પહેલુ રશિયાના ડોલર આધારિત વેપાર પર પાછા ફરવાનો છે. આ પગલું બ્રિકસ દશોના ડી ડોલરાઈઝેશન એટલે કે અમેરિકી ડોલર પર નિર્ભરતા ઘટાડવાના પ્રયત્નોને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બ્રિકસના સભ્યો વેપારમાં ડોલરની જગ્યા લેવા માટે મોટા પાયે સોનું ખરીદતા હતા પરંતુ રશિયા હવે ડોલર પર પાછા ફરવાનું વિચારતું હોવાનું જોતા આ મુહિમ અને સોનાના વધતા ભાવને પણ તે પ્રભાવિત કરશે.

જિયોપોલીટિકસમાં ફેરફાર તરફ ઈશારો કરતા પેસ ૩૬૦ના મુખ્ય વૈશ્વિક રણનીતિકાર અમિત ગોયલે જણાવ્યું કે સપ્તાહના અંતમાં બ્લૂમબર્ગે રિપોર્ટ બહાર પાડ્યો છે કે રશિયા ડોલરમાં વાપસી કરી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે રશિયા અમેરિકા સાથે વેપારની સંભાવના શોધી રહ્યું છે. જેમાં લેવડદેવડ ડોલરમાં થશે. કારણ કે ટ્રમ્પ બીજી કોઈ કરન્સીમાં ચૂકવણી સ્વીકારશે નહીં. રિપોર્ટ મુજબ પુતિન શાસન રશિયા-યુક્રેન યુદ્ધ પૂરું થવા મુદ્દે આ પ્રકારની ટ્રેડ ડીલ કરવાનું વિચારે છે જે એક સંભવિત શાંતિ સમજૂતિનો સંકેત છે.

ગોયલે એમ પણ કહ્યું કે રશિયાએ હજુ તો જો કે આ રિપોર્ટ્સ પર  કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ આટલા સંવેદનશીલ મામલે મોસ્કો  તરફથી રિપોર્ટ્સને ફગાવવામાં ન આવે એ પણ ડિમાન્ડ અને સપ્લાયના ખેલમાં એક મોટા ફેરફારનો સંકેત હોઈ શકે છે. આવા ઘટનાક્રમથી બ્રિકસ દેશોની ડી ડોલરાઈઝેશન મુહિમને સીધી અસર પડી શકે છે જે અત્યાર સુધી મોટા પાયે સોનાની ખરીદી કરીને તેના સપ્લાયને સિમિત કરી રહ્યા હતા.

એસઈબીઆઈ-રજિસ્ટર્ડ માર્કેટ  એકસપર્ટ અનુજ ગુપ્તાએ સોનાના ભાવમાં તેજીમાં કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદીના મુદ્દા પર ભાર મૂકયો. તેમણે કહ્યું કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં આવ્યા ત્યારથી દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ ર્ટ્મ્પના ટેરિફ પ્લાનનો મુકાબલો કરવા માટે સોનાની ખરીદી શરૂ કરી દીધી. તેની માંગ અને આપૂર્તિમાં ભારે અસંતુલન પેદા થયું જેનાથી ભાવ વધ્યા.

ખાસ કરીને બ્રિકસ દેશોની કેન્દ્રીય બેંકોએ સોનું પુષ્કળ ખરીદ્યું, જેણે સોનાના ભાવમાં તેજી વધારવાનું કામ કર્યું. અનુજ ગુપ્તાનું માનવું છે કે વૈશ્વિક કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદીમાં ઘટાડો સોનાના ભાવ પર ઊંડી નકારાત્મક અસર પાડશે અને ભાવમાં ઝડપથી સુધારો જોવા મળી શકે છે. કેન્દ્રીય બેંકો ખુલ્લા બજારમાં સોનું વેચવાનું  શરૂ કરી શકે એવી પણ સંભાવના છે. જેના કારણે સોનાનો પુરવઠો વધવાથી માંગ વધુ નબળી બનશે.

અત્રે જણાવવાનું કે બ્રિકસ દશોમાં ભારત, રશિયા, બ્રાઝિલ, ચીન અને દક્ષિણ આફ્રીકા જેવા દેશો સામેલ છે. જે એક મહત્વપૂર્ણ આર્થિક સમૂહ છે જે સોનું ભેગુ કરીને ઝડપથી ડોલર પર નિર્ભરતા ઘટાડવાનું કામ કરી રહ્યા છે. જો કે સત્તાવાર રીતે બ્રિકસ દેશો પાસે વૈશ્વિક સોના ભંડારનો  લગભગ ૨૦ ટકા ભાગ છે પરંતુ પોતાના રણનીતિક સહયોગીઓ સાથે મળીને આ દેશો હવે વૈશ્વિક સોનાના ઉત્પાદનના લગભગ ૫૦ ટકા હિસ્સો રાખે છે. આ રણનીતિમાં રશિયા અને ચીન સૌથી આગળ છે. ૨૦૨૪માં ચીને ૩૮૦ ટન સોનાનું ઉત્પાદન કર્યું, જ્યારે રશિયાએ ૩૪૦ ટનનું યોગદાન આપ્યું. સપ્ટેમ્બર ૨૦૨૫માં બ્રાઝિલે ૨૦૨૧ બાદ પહેલીવાર ૧૬ ટન સોનું ખરીદ્યું.

અનુજ  ગુપ્તાએ જણાવ્યું કે બ્રિકસ દેશોની બેવડી રણનીતિ રહી છે. તેઓ વધુ સોનું ઉત્પાદિત કરી રહ્યા છે અને ઓછું વેચે છે. આ સાથે જ વૈશ્વિક બજારમાં પણ સોનું ખરીદે છે. આંકડાઓ મુજબ ૨૦૨૦ થી ૨૦૨૪ વચ્ચે બ્રિકસ દેશોની કેન્દ્રીય બેંકોએ દુનિયાના ૫૦ ટકાથી વધુ સોનાની ખરીદી કરી. બ્રિકસની અર્થવ્યવસ્થાઓ આજે વૈશ્વિક બજારો લગભગ ૩૦ ટકા હિસ્સો છે. જેનાથી તેમના મોનેટરી ઓપ્શન્સને વૈશ્વિક પ્રાસંગિકતા મળે છે. રશિયાના ડોલરમાં પાછા ફરવાથી બ્લોકના ડી ડોલરાઈઝેશનના લાંબા સમયથી ચાલતા અભિયાનને જોખમ પેદા થશે.

સોનાના ભાવની ડિમાન્ડ અને સપ્લાયમાં સંરચનાત્મક ફેરફારની અપેક્ષા કરતા અમિત ગોયલનું માનવું છે કે સોનાના ભાવ વૈશ્વિક બજારમાં ૫૬૨૬.૮૦ ડોલર પ્રતિ ઔંસ અને ભારતમાં ૧૮૦૭૭૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ઓલટાઈમ હાઈ પર પહોંચી ચૂકયા છે. ડી ડોલરાઈઝેશન પ્રક્રિયામાં આ પ્રકારના ફેરફારથી વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા ગભરાહટમાં વેચાવલી શરૂ થઈ શકે છે. જેનાથી ડિમાન્ડ સપ્લાયનું અસંતુલન સોનાના પક્ષમાં નબળું પડી શકે છે. તેમણે કહ્યું કે પહેલો ઝટકો કાગળ સ્વરૂપ સોનાની વેચાવલી તરીકે જોવા મળી શકે પરંતુ છેલ્લે તેની અસર ભૌતિક સોનાના ભાવ ઉપર પણ પડશે. ભારતમાં સોનાના ભાવ પહેલેથી જ લગભગ ૧૫ ટકા તૂટી ચૂકયા છે અને આ ડેવલપમેન્ટ બાદ આ ઘટાડો હજુ વધે તેવી શકયતા છે.

તેમનું એવું માનવું છે કે ૨૦૨૭ના અંત સુધીમાં ભારતમાં સોનાના ભાવ એક લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી નીચે જઈ શકે છે અને કોમેકસ પર ગોલ્ડનો ભાવ ૩૦૦૦ ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે ભારતમાં સોનાના ભાવ ૨૦૨૭ના અંત સુધીમાં ૯૦૦૦૦ રૂપિયાથી એક લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ આસપાસ પહોંચી શકે છે.

(12:11 PM IST)