News of Monday, 16th February 2026
માત્ર સાત વર્ષના રેયાંશ ખામકરની મોટી સિદ્ધિ: 30 કિમીનું અંતર 7 કલાક 30 મિનિટ 11 સેકન્ડમાં તરીને ઇતિહાસ રચ્યો.
રેયાંશ ખામકરે દરિયામાં સ્વિમિંગ કરીને તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી :માત્ર સાત વર્ષની ઉંમરે અદભૂત હિંમત અને દૃઢ નિશ્ચયનો પરિચય આપતાં થાણેના બાળકે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 7 વર્ષના રેયાંશ ખામકરે અરબી સમુદ્રમાં 30 કિલોમીટર સુધી તરણ સ્પર્ધા પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો છે,રેયાંશે સિંધુદુર્ગના માલપે જેટીથી વિજયદુર્ગ સુધીનું 30 કિમીનું અંતર માત્ર 7 કલાક 30 મિનિટ અને 11 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું. અરબી સમુદ્રના મોજાં સામે અડગ રહીને આ લાંબું અંતર પાર કરીને રેયાંસે એક વિરલ સિદ્ધિ મેળવી છે. તેની આ ઐતિહાસિક સિદ્ધિની નોંધ લઈને તેનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. જે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.
સાત વર્ષની નાની ઉંમરે આટલું લાંબું અંતર કાપનાર રેયાંશ સૌથી નાની ઉંમરનો ભારતીય બન્યો છે.આ સિદ્ધિથી સમગ્ર થાણે ગર્વ અનુભવી રહ્યું છે.થાણેની મેયર શર્મિલા પિમ્પોલકરએ રેયાંશનું સન્માન કરતાં જણાવ્યું કે, આ સમગ્ર શહેર માટે ગર્વની ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે આટલી નાની ઉંમરે હિંમત, શિસ્ત અને સમર્પણનો આવો ઉત્તમ દાખલો દુર્લભ છે. રેયાંશની આ સિદ્ધિ અન્ય બાળકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે.
રેયાંશ કોચ કૈલાશ અખાડાના માર્ગદર્શન હેઠળ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલમાં નિયમિત પ્રેક્ટિસ કરે છે. તેની દૈનિક કઠોર મહેનત અને શિસ્તબદ્ધ તાલીમે જ આ ભવ્ય સફળતાનો પાયો નાખ્યો છે.આ પહેલી વાર નથી જ્યારે તેણે રેકોર્ડ બનાવ્યો હોય. માત્ર છ વર્ષની ઉંમરે તેણે 15 કિલોમીટર તરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં તેણે રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 13 મેડલ જીત્યા છે. નાની ઉંમરે જ મોટા સપના સાકાર કરનાર રેયાંશ ખામકર આજે યુવાનો માટે હિંમત અને સંકલ્પનું જીવંત પ્રતિક બની ગયો છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
