News of Monday, 16th February 2026
ગુજરાત હાઈએલર્ટ પર: અમદાવાદ અને વડોદરાની ૨૫થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ઈમેલમાં 'ભારતને ખાલિસ્તાન બનાવવાની' ચીમકી
સોમવારે સવારે ઈમેલ મળતા જ શાળાઓ ખાલી કરાવાઈ અને તપાસનો ધમધમાટ શરૂ : રાજ્ય સરકાર ગંભીર હોવાનું જણાવતા મંત્રી રિવાબા જાડેજાએ તપાસના આદેશ આપ્યા : અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

અમદાવાદ, તા. 16 : શાળાઓને નિશાન બનાવીને ફરી એકવાર ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોમવારે સવારે અમદાવાદ અને વડોદરાની ૨૫થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઈમેલમાં માત્ર બોમ્બની ધમકી જ નહીં, પરંતુ 'ભારતને ખાલિસ્તાનમાં ફેરવી નાખવાની' ઉશ્કેરણીજનક વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
શાળાઓમાં સઘન સર્ચ ઓપરેશન
જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ના જણાવ્યા અનુસાર, ઈમેલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને તાત્કાલિક કેમ્પસ બહાર ખસેડી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કોઈ પણ વાંધાજનક કે શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી, પરંતુ તપાસ હજુ પણ જારી છે.
રાજ્ય સરકારની કડક કાર્યવાહીની ખાતરી
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યના મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, "ગુજરાત સરકાર આ પ્રકારની ધમકીઓને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. શાળાઓ અને અન્ય સ્થળો પર મળેલી તમામ ધમકીઓની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને બાળકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે."
જાન્યુઆરીમાં પણ મળી હતી આવી જ ધમકી
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે શાળાઓને નિશાન બનાવવામાં આવી હોય. આ અગાઉ જાન્યુઆરી ૨૦૨૬માં પ્રજાસત્તાક દિવસના થોડા દિવસો પહેલા પણ અમદાવાદની કેટલીક શાળાઓને આ પ્રકારના જ ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. તાજેતરમાં જ દિલ્હીની પણ કેટલીક પ્રતિષ્ઠિત શાળાઓને સંસદમાં બ્લાસ્ટ કરવાના અને શાળા ઉડાવી દેવાના મેઈલ મળ્યા હતા, જે બાદ હવે ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિ જોવા મળી છે.
ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની ટીમો હવે ઈમેલના આઈપી એડ્રેસ (IP Address) ના આધારે આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વાલીઓને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને શાળા તંત્રના સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
