<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

રાજસ્‍થાનઃ ભીવાડીમાં મોતનું તાંડવઃ કેમિકલ ફેક્‍ટરીમાં આગ લાગતા : ૮ શ્રમિકો જીવતા ભૂંજાયા

ધુમાડાના ગોટેગોટાઃ ૨૫ કામદારો ફસાયાઃ વહીવટીતંત્ર અને એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ : ઔદ્યોગિક વિસ્‍તારમાં ગેરકાયદેસર ફટાકડા અને કેમિકલના સંગ્રહને કારણે સર્જાયો પ્રચંડ વિસ્‍ફોટ

 

ભીવાડી, તા.૧૬: રાજસ્‍થાનના ભીવાડી સ્‍થિત ખુશખેડા ઔદ્યોગિક વિસ્‍તારમાં સોમવારની સવાર કાળમુખી સાબિત થઈ હતી. અહીં આવેલી રાજેન્‍દ્ર નામની વ્‍યક્‍તિની કેમિકલ ફેક્‍ટરીમાં સવારે ૯:૩૦ વાગ્‍યે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગએ એટલું રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું કે ફેક્‍ટરીમાં કામ કરી રહેલા ૨૫ જેટલા શ્રમિકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્‍યો. આકાશમાં ઉડતા કાળા ધુમાડાના ગોટેગોટા અને વિસ્‍ફોટોના અવાજે આખા વિસ્‍તારમાં ફફડાટ ફેલાવી દીધો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ દ્રશ્‍ય નજરે પડતા તાત્‍કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ઘટનાસ્‍થળે પહોંચેલી બચાવ ટીમ જ્‍યારે ફેક્‍ટરીની અંદર પ્રવેશી ત્‍યારે ત્‍યાંના દ્રશ્‍યો જોઈને પથ્‍થર હૃદયના માનવી પણ ધ્રુજી ઉઠ્‍યા હતા. આગની જ્‍વાળાઓ એટલી પ્રચંડ હતી કે ૮ કામદારોના શરીર બળીને રાખ થઈ ગયા હતા અને માત્ર હાડપિંજર જ બાકી રહ્યા હતા. સ્‍થિતિ એટલી ગંભીર હતી કે મળતદેહોને ઓળખવા અશકય હતા, જેના કારણે વહીવટીતંત્રે શરીરના અવશેષોને પોલીથીન બેગમાં એકત્રિત કરવા પડ્‍યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્‍યોએ સમગ્ર પંથકમાં શોકની લહેર ફેલાવી દીધી છે અને હાલમાં આ અવશેષોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલવામાં આવ્‍યા છે.

પ્રાથમિક તપાસમાં વહીવટી અધિકારીઓએ આશંકા વ્‍યક્‍ત કરી છે કે આ ફેક્‍ટરીમાં કેમિકલની આડમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. કેમિકલ અને ફટાકડાના વિસ્‍ફોટક મિશ્રણને કારણે આગે વિસ્‍ફોટક સ્‍વરૂપ ધારણ કર્યું હતું, જેણે કામદારોને બચવાની કોઈ તક આપી નહોતી. ખુશખેડા અને ભીવાડી રીકો ફાયર સ્‍ટેશનની ડઝનબંધ ફાયર ફાઈટર ગાડીઓએ સતત દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવ્‍યા બાદ માંડ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. હજુ પણ એક કામદાર અંદર ફસાયેલો હોવાની આશંકા હોવાથી સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ દુર્ઘટનાની ગંભીરતાને જોતા રાજ્‍યના મંત્રી સંજય શર્મા વિધાનસભાથી સીધા ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા. ભીવાડી અને ખૈરથલના ઉચ્‍ચ વહીવટી અધિકારીઓ સહિત એડીએમ સુમિત્રા મિશ્રા અને એએસપી અતુલ સાહુ પણ સ્‍થળ પર હાજર રહી તપાસનું સુકાન સંભાળ્‍યું છે. એફએસએલની ટીમને બોલાવીને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે જેથી જાણી શકાય કે આ દુર્ઘટના પાછળ ફેક્‍ટરી માલિકની કેટલી બેદરકારી હતી અને શું ફેક્‍ટરી પાસે જરૂરી લાયસન્‍સ હતા કે નહીં. તંત્ર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્‍યા છે. (રર.૧૯)

 

(2:56 PM IST)