<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

માત્ર એક વર્ષ શાળાએ જઈને લખ્યો અમેરિકાનો ઇતિહાસ: ગરીબ ખેડૂતનો પુત્ર કેવી રીતે બન્યો દુનિયાનો સૌથી શક્તિશાળી નેતા? જાણો અબ્રાહમ લિંકનની અજાણી વાતો

માતાનું છત્ર ગુમાવ્યું, પિતાનો વિરોધ છતાં પુસ્તકો સાથે દોસ્તી કરી; ગુલામીની સાંકળો તોડીને લોકશાહીની નવી વ્યાખ્યા લખનાર મહાનાયકની શૌર્યગાથા

 
વોશિંગ્ટન, તા.16: ઇતિહાસના પાનાઓમાં એવા ઘણા નામ છે જેઓ સોનાની ચમચી લઈને જન્મ્યા હતા, પરંતુ અબ્રાહમ લિંકન એક એવું નામ છે જેમણે રાખમાંથી બેઠા થઈને અમેરિકાનું ભાગ્ય બદલી નાખ્યું. 12 ફેબ્રુઆરીના રોજ જન્મેલા લિંકનની જીવનકથા એ સાબિતી છે કે જો મનમાં દૃઢ નિશ્ચય હોય, તો ગરીબી કે સુવિધાઓનો અભાવ ક્યારેય તમારા રસ્તામાં અવરોધ બની શકતા નથી.
શિક્ષણ માટેનો અનોખો સંઘર્ષ
કેન્ટુકીના એક નાનકડા લાકડાના કેબિનમાં જન્મેલા લિંકનનું બાળપણ અત્યંત કપરા સંજોગોમાં વીત્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવનાર લિંકન પાસે શાળાએ જવા માટે પૈસા નહોતા. તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના રાષ્ટ્રપતિ બનનાર આ વ્યક્તિએ જીવનમાં માત્ર એક જ વર્ષ ઔપચારિક શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું! તેમના પિતાને પુત્રનું પુસ્તકો વાંચવું ગમતું નહોતું, છતાં લિંકને જાતે જ વાંચતા-લખતા શીખીને 1836માં કાયદાની ડિગ્રી મેળવી વકીલ બન્યા.
'પ્રામાણિક એબ'નો રાજકારણમાં ઉદય
લિંકન તેમની પ્રામાણિકતા માટે 'ઓનેસ્ટ એબ' (Honest Abe) તરીકે ઓળખાતા. ન્યૂ સેલમમાં સામાન્ય નોકરીથી શરૂઆત કરી તેઓ રાજકારણમાં જોડાયા. રિપબ્લિકન પાર્ટીના નેતા તરીકે તેમણે ગુલામી પ્રથાનો જે રીતે વિરોધ કર્યો, તેણે તેમને આખા અમેરિકામાં લોકપ્રિય બનાવી દીધા. 1860માં જ્યારે તેઓ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે દેશ બે ભાગમાં વહેંચાયેલો હતો.
ગૃહયુદ્ધ અને ગુલામીનો અંત
રાષ્ટ્રપતિ બનતાની સાથે જ લિંકન સામે 'ગૃહયુદ્ધ'નો પડકાર આવી પડ્યો. દેશને વિખેરાતો બચાવવા માટે તેમણે મક્કમ નેતૃત્વ પૂરું પાડ્યું. 1863માં તેમણે ઐતિહાસિક 'મુક્તિ ઘોષણાપત્ર' (Emancipation Proclamation) જારી કરીને અમેરિકામાંથી સદીઓ જૂની ગુલામી પ્રથાનો કાયમી અંત લાવવાની દિશામાં મોટું પગલું ભર્યું. તેમણે લોકશાહીની એવી વ્યાખ્યા આપી જે આજે પણ વિશ્વભરમાં ગુંજે છે: "લોકોની, લોકો દ્વારા અને લોકો માટેની સરકાર."
એક ગોળી અને મહાનાયકનો અંત
કમનસીબે, જે માણસે લાખો લોકોને આઝાદી અપાવી, તેમનો અંત અત્યંત કરૂણ રહ્યો. 14 એપ્રિલ, 1865ના રોજ વોશિંગ્ટનના એક થિયેટરમાં નાટક જોઈ રહેલા લિંકનની જોન વિલ્ક્સ બૂથ નામના વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી દીધી. લિંકન આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની જીવનગાથા આજે પણ કરોડો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

(4:14 PM IST)