<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ટ્રમ્પ સરકારનો માસ્ટર પ્લાન: હવે અમેરિકન નાગરિકતા મેળવવી જ નહીં, ટકાવી રાખવી પણ મુશ્કેલ! દર મહિને 200 લોકોના પાસપોર્ટ છીનવવાનું લક્ષ્ય

'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ જૂની ફાઇલો ફરી ખોલાશે: છેતરપિંડી કે ખોટી માહિતી આપનાર નેચરલાઈઝ્ડ નાગરિકો પર દેશનિકાલની તલવાર

 
વોશિંગ્ટન, તા.16: અમેરિકામાં વસતા વિદેશી મૂળના નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 'નેચરલાઈઝ્ડ' (જેમણે પાછળથી નાગરિકતા મેળવી છે) અમેરિકનો પાસેથી નાગરિકતા છીનવી લેવા માટે એક અત્યંત આક્રમક અભિયાન શરૂ કર્યું છે. સરકારના નવા નિર્દેશ મુજબ, ઇમિગ્રેશન અધિકારીઓને દર મહિને 100 થી 200 એવા કેસો શોધવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે, જેમની નાગરિકતા રદ (Denaturalization) કરી શકાય તેમ હોય.
ક્વોટા નક્કી: સ્ટાફને મેદાને ઉતારાયો
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS) એ આ કામગીરી માટે ખાસ નિષ્ણાતોની ટીમો બનાવી છે. આ ટીમો દેશભરની ફિલ્ડ ઓફિસોમાં જઈને જૂની નેચરલાઈઝેશન મંજૂરીઓની બારીકાઈથી તપાસ કરશે. ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં ચાર વર્ષમાં માત્ર 102 કેસ દાખલ થયા હતા, પરંતુ હવે તેટલા કેસ માત્ર થોડા મહિનાઓમાં જ પૂરા કરવાનું આયોજન છે.
કોણ છે ટાર્ગેટ પર?
USCIS ના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે સ્પષ્ટ કર્યું છે કે, "જે લોકોએ નાગરિકતા મેળવતી વખતે જૂઠું બોલ્યું છે અથવા મહત્વની માહિતી છુપાવી છે, તેમને બક્ષવામાં આવશે નહીં." ખાસ કરીને નીચે મુજબના કેસોને પ્રાથમિકતા આપવામાં આવશે:
•    રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી વ્યક્તિઓ.
•    યુદ્ધ ગુનાઓમાં સામેલ લોકો.
•    મેડિકેડ કે મેડિકેર જેવી સરકારી યોજનાઓમાં છેતરપિંડી કરનારા.
•    ગંભીર ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકો.
ઇમિગ્રેશન સિસ્ટમની 'સફાઈ' કે રાજકીય દબાણ?
ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે આ પગલાથી અમેરિકન નાગરિકતાના 'વિશેષાધિકાર'ની ગરિમા જળવાઈ રહેશે. જોકે, કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રક્રિયા લાંબી અને જટિલ છે. ઐતિહાસિક રીતે, નાગરિકતા રદ કરવી એ અત્યંત દુર્લભ ઘટના ગણાતી હતી, જેનો ઉપયોગ માત્ર ગંભીર ગુનેગારો કે નાઝીઓ સામે થતો હતો. પરંતુ હવે, સામાન્ય વહીવટી ભૂલોને પણ 'છેતરપિંડી' ગણીને નાગરિકતા છીનવવામાં આવી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.
જન્મજાત નાગરિકતા પર પણ સંકટ
માત્ર નેચરલાઈઝ્ડ નાગરિકો જ નહીં, ટ્રમ્પ તેવા બાળકોની નાગરિકતા પર પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે જેઓ અમેરિકામાં જન્મ્યા છે પરંતુ તેમના માતા-પિતા વિદેશી છે. આ મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં છે. સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: અમેરિકાને "ચોખ્ખી સંપત્તિ" (Net Asset) ન હોય તેવા લોકોને દેશ બહાર કરવા.
હાલમાં દર વર્ષે અંદાજે 8,00,000 લોકો અમેરિકન નાગરિક બને છે, પરંતુ આ નવા આક્રમક વલણને કારણે હવે લાખો લોકોના મનમાં ફાળ પડી છે કે વર્ષોની મહેનત બાદ મેળવેલી 'બ્લુ બુક' (અમેરિકન પાસપોર્ટ) સુરક્ષિત રહેશે કે નહીં.

(4:15 PM IST)