<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

બ્રિટિશ યુનિવર્સિટીઓ હવે તમારા આંગણે: લંડન કે સાઉધમ્પ્ટન ગયા વગર જ ભારતમાં મળશે 'વિદેશી ડિગ્રી', વિઝાની પણ જરૂર નહીં!

યુકેની ટોચની 9 યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલવા સજ્જ: ગિફ્ટ સિટીથી દિલ્હી સુધી શિક્ષણ ક્ષેત્રે 'બ્રિટિશ ક્રાંતિ'નો પ્રારંભ

 
નવી દિલ્હી, તા.16: હવે ભારતીય વિદ્યાર્થીઓએ વિશ્વસ્તરીય બ્રિટિશ શિક્ષણ મેળવવા માટે હજારો માઈલ દૂર જવાની કે મોંઘા વિઝાની કતારોમાં ઉભા રહેવાની જરૂર નથી. યુકેની પ્રતિષ્ઠિત સાઉધમ્પ્ટન યુનિવર્સિટીએ દિલ્હી નજીક પોતાનું પ્રથમ કેમ્પસ શરૂ કરીને ઇતિહાસ રચ્યો છે. ભારત સરકારની નવી શિક્ષણ નીતિ હેઠળ, સાઉધમ્પ્ટન સિવાય અન્ય 8 બ્રિટિશ યુનિવર્સિટીઓ પણ ટૂંક સમયમાં ભારતના વિવિધ શહેરોમાં પોતાના શૈક્ષણિક દ્વારા ખોલવા જઈ રહી છે.
અડધી કિંમતે મળશે આંતરરાષ્ટ્રીય ડિગ્રી
ભારતમાં ભણવાનો સૌથી મોટો ફાયદો ફીના માળખામાં જોવા મળ્યો છે. જે કોર્સ માટે બ્રિટનમાં અંદાજે 25,000 પાઉન્ડ (રૂ. 26 લાખથી વધુ) ચૂકવવા પડે છે, તે જ અભ્યાસક્રમ ભારતીય કેમ્પસમાં માત્ર 10,000 થી 12,000 પાઉન્ડમાં ઉપલબ્ધ થશે. સાઉધમ્પ્ટન યુનિવર્સિટીએ બિઝનેસ મેનેજમેન્ટના ક્લાસ સાથે શરૂઆત કરી છે અને આગામી દાયકામાં અહીં 5,500 થી વધુ વિદ્યાર્થીઓને ભણાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
કેમ યુકેની યુનિવર્સિટીઓ ભારત તરફ વળી?
બ્રિટનમાં હાલ ઇમિગ્રેશનના કડક નિયમો અને આર્થિક દબાણને કારણે યુનિવર્સિટીઓ મુશ્કેલીમાં છે. યુકેની લગભગ 45% શિક્ષણ સંસ્થાઓ અત્યારે આર્થિક ખાધનો સામનો કરી રહી છે. આ સંજોગોમાં ભારત જેવા વિશાળ માર્કેટમાં પ્રવેશવું એ તેમના માટે 'સંજીવની' સમાન છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની તાજેતરની ભારત મુલાકાત વખતે પણ શિક્ષણના આ 'બે-માર્ગી પ્રવાહ' પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતમાં પણ આવશે બ્રિટિશ કેમ્પસ
દિલ્હી બાદ હવે નજર ગુજરાત પર છે. યુનિવર્સિટી ઓફ સરે ગુજરાતના 'ગિફ્ટ સિટી' (GIFT City) માં પોતાનું બિઝનેસ હબ અને કેમ્પસ સ્થાપવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત યોર્ક યુનિવર્સિટી પણ આ વર્ષના અંત સુધીમાં ભારતમાં પગપેસારો કરવા તૈયાર છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે, કારણ કે તેઓ પોતાના દેશમાં રહીને જ એ જ ગુણવત્તાનું શિક્ષણ મેળવી શકશે જે લંડન કે ઓક્સફોર્ડના વિદ્યાર્થીઓને મળે છે.
વિદ્યાર્થીઓનો પ્રતિસાદ: 'વતન જેવું સુખ અને વિદેશી શિક્ષણ'
દિલ્હીમાં અભ્યાસ કરતી 20 વર્ષીય સાધિકા મેહરોત્રા જણાવે છે કે, "ભારતમાં રહીને જ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં ભણવું એ એક અનોખો લ્હાવો છે. મારા ઘણા મિત્રો જે પહેલા યુકે જવા માંગતા હતા, તેઓ હવે ભારતમાં જ રહીને આ ડિગ્રી મેળવવા ઉત્સુક છે."

(4:18 PM IST)