<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

દક્ષિણ કોરિયા જવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ સાવધાન! નિયમોનું ઉલ્લંઘન કરનારી 20 યુનિવર્સિટીઓ પર એક વર્ષનો 'વિઝા બેન'

શિક્ષણના નામે લાપરવાહી ચલાવી લેવાશે નહીં: આંતરરાષ્ટ્રીય ધોરણોમાં નિષ્ફળ જતાં કોરિયન સરકારની લાલ આંખ, 181 યુનિવર્સિટીઓને મળી 'માન્યતા'


સીઓલ, તા.16: જો તમે પણ દક્ષિણ કોરિયામાં અભ્યાસ કરવા માટે બેગ પેક કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. દક્ષિણ કોરિયાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સંચાલનમાં બેદરકારી દાખવવા બદલ દેશની 20 જાણીતી યુનિવર્સિટીઓ પર નવા વિદ્યાર્થી વિઝા જારી કરવા માટે એક વર્ષનો કડક પ્રતિબંધ લાદી દીધો છે. આ પાનખર સેમેસ્ટરથી જ આ પ્રતિબંધ અમલમાં આવી જશે.
શિક્ષણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી વાર્ષિક સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે, આ સંસ્થાઓ વિદેશી વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા આપવામાં અને સરકારી ધોરણો જાળવવામાં નિષ્ફળ રહી છે. જેમાં ડિગ્રી પ્રોગ્રામ્સ આપતી 16 યુનિવર્સિટીઓ અને કોરિયન ભાષાના અભ્યાસક્રમો ચલાવતી 4 સંસ્થાઓનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત યુનિવર્સિટીઓમાં જ્યુમગેંગ, સુવોન કેથોલિક અને હ્યુપસુંગ જેવી સંસ્થાઓના નામ સામે આવ્યા છે.
કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?
દક્ષિણ કોરિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2024માં આ સંખ્યા 2,53,000 પર પહોંચી છે, જે પાછલા વર્ષ કરતા 21 ટકા વધુ છે. વધતી સંખ્યાની સાથે કેટલીક યુનિવર્સિટીઓમાં ગેરકાયદેસર રીતે રોકાતા વિદ્યાર્થીઓનો દર વધ્યો છે અને કોરિયન ભાષાના શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓના સંતોષ અને શૈક્ષણિક માળખાની તપાસ કર્યા બાદ મંત્રાલયે આ કઠોર પગલું ભર્યું છે.
સારી કામગીરી કરનાર 181 યુનિવર્સિટીઓને 'ગ્રીન સિગ્નલ'
એક તરફ જ્યાં 20 સંસ્થાઓ પર પ્રતિબંધ મુકાયો છે, ત્યાં બીજી તરફ 181 યુનિવર્સિટીઓને 'માન્યતા પ્રાપ્ત' (Accredited) જાહેર કરવામાં આવી છે. આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને વિઝા મેળવવામાં સરળતા રહેશે. આ સંસ્થાઓને ગ્લોબલ કોરિયા શિષ્યવૃત્તિ (GKS) અને આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન ફેરમાં પણ સરકાર તરફથી પ્રાથમિકતા આપવામાં આવશે.
સરકારનો લક્ષ્યાંક: માત્ર સંખ્યા નહીં, ગુણવત્તા પણ
દક્ષિણ કોરિયાના ન્યાય અને શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માંગતા નથી, પરંતુ તેમને મળતું શિક્ષણ અને તેમની કારકિર્દી માટે અપાતી સહાયમાં પણ કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. વહીવટી બોજ ઘટાડવા અને પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે સરકારે વિઝા સ્ક્રીનીંગ સિસ્ટમમાં પણ સુધારા કર્યા છે.

(4:16 PM IST)