<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

પાકિસ્તાન ફરી બોમ્બ ધડાકાથી હચમચ્યું: ખૈબર પખ્તુનખ્વાના પોલીસ સ્ટેશન પાસે મોટરસાઇકલમાં ટાઇમ બોમ્બ બ્લાસ્ટ, માસૂમ બાળક સહિત 2ના મોત

બન્નુ જિલ્લામાં મિરયાન પોલીસ સ્ટેશનને નિશાન બનાવી કરાયો હુમલો; વિસ્ફોટમાં 17 નાગરિકો લોહીલુહાણ, આખા વિસ્તારમાં આતંકનો માહોલ અને સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન

પેશાવર: પાકિસ્તાનનો અશાંત ગણાતો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત ફરી એકવાર લોહીયાળ બન્યો છે. સોમવારે બન્નુ જિલ્લાના મિરયાન પોલીસ સ્ટેશનની બરાબર સામે એક ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું, પરંતુ તેનો ભોગ નિર્દોષ નાગરિકો બન્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમાં એક માસૂમ બાળક અને અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મોટરસાઇકલ બની મોતનું સાધન
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ પોલીસ સ્ટેશનની સામે આવેલી દુકાનો પાસે એક મોટરસાઇકલ પાર્ક કરી હતી, જેમાં અત્યંત શક્તિશાળી 'ટાઇમ બોમ્બ' ફિટ કરવામાં આવ્યો હતો. નિર્ધારિત સમયે થયેલા આ ધડાકાને કારણે આસપાસની દુકાનોના કાચ તૂટી ગયા હતા અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, કોઈ પોલીસકર્મીને ઈજા થઈ નથી, પરંતુ સામાન્ય જનતા પર કાળ ત્રાટક્યો છે.
ઘાયલોની હાલત નાજુક
વિસ્ફોટ બાદ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેડિકલ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂશન (MTI) ના પ્રવક્તાએ જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક સરકારી અને ખલીફા ગુલ નવાઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક લોકોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. બન્નુના ડેપ્યુટી આઈજી સજ્જાદ ખાને પોતે હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલોની ખબર-અંતર પૂછ્યા હતા.
ગવર્નરે વ્યક્ત કર્યો રોષ
ખૈબર-પખ્તુનખ્વાના ગવર્નર ફૈઝલ કરીમ કુંડીએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે હુમલાખોરોને 'માનવતાના દુશ્મન' ગણાવતા કહ્યું કે, પ્રદેશમાં શાંતિ ડહોળવાના આવા પ્રયાસોને સફળ થવા દેવામાં આવશે નહીં. ઘટના બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ક્વિક રિસ્પોન્સ ફોર્સે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આતંકનો ટ્રેન્ડ: અગાઉ પણ થયો હતો હુમલો
બન્નુ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી હિંસાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. હજુ થોડા સમય પહેલા જ અહીંના એક મુખ્ય બ્રિજને વિસ્ફોટકોથી ઉડાવી દેવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં પણ ડોમેલ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટમાં બાળકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના આ સરહદી વિસ્તારોમાં વધતી આતંકી પ્રવૃત્તિઓએ હવે સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે.

(5:50 PM IST)