<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સાઉથ સુપરસ્ટાર ત્રિશાનો ભાજપ નેતાને જડબાતોડ જવાબ: "અભદ્રતા સામે અવાજ ઉઠાવવો જ પડશે," થલપતિ વિજય પરની વિવાદાસ્પદ ટિપ્પણીથી અભિનેત્રી લાલચોળ!

તામિલનાડુ ભાજપ વડા નયનર નાગેન્દ્રનના નિવેદનથી ભારે હોબાળો: પોતાનું નામ વિવાદમાં ખેંચાતા ત્રિશા કૃષ્ણને સોશિયલ મીડિયા પર કાઢી ઝાટકણી

ચેન્નાઈ : દક્ષિણ ભારતીય ફિલ્મ જગતની લોકપ્રિય અભિનેત્રી ત્રિશા કૃષ્ણન અત્યારે પોતાના બેબાક અંદાજને કારણે ચર્ચામાં છે. તામિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નયનર નાગેન્દ્રન દ્વારા સુપરસ્ટાર અને રાજનેતા થલપતિ વિજય તેમજ ત્રિશા અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીએ મોટો રાજકીય અને સામાજિક વિવાદ છેડ્યો છે. આ મામલે મૌન તોડતા ત્રિશાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અનાદર અને અભદ્રતાને ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં.
શું હતો સમગ્ર વિવાદ?
તાજેતરમાં એક નિવેદન દરમિયાન ભાજપ નેતા નયનર નાગેન્દ્રને અભિનેતા વિજયની રાજકીય સફર પર કટાક્ષ કરતા તેમાં ત્રિશાનું નામ પણ બિનજરૂરી રીતે ખેંચ્યું હતું. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિજયના ચાહકો અને સિનેમા જગતમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજકીય નિવેદનબાજીમાં એક મહિલા કલાકારની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થતા વિવાદે જોર પકડ્યું છે.
ત્રિશાનો સોશિયલ મીડિયા પર પલટવાર
પોતાના નામનો દુરૂપયોગ થતા જોઈ ત્રિશાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર એક શક્તિશાળી પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે, "અનાદર હંમેશા ખુલ્લો પડશે અને તેને પડકારવો જ જોઈએ." ત્રિશાએ વધુમાં ઉમેર્યું કે જાહેર જીવનમાં રહેલા લોકોએ ભાષાની મર્યાદા જાળવવી જોઈએ અને ખાસ કરીને મહિલાઓ વિશે ટિપ્પણી કરતી વખતે ગંભીરતા રાખવી જોઈએ.
થલપતિ વિજય અને રાજકારણ
ઉલ્લેખનીય છે કે, થલપતિ વિજયે તાજેતરમાં જ પોતાની રાજકીય પાર્ટી લોન્ચ કરી છે, ત્યારથી વિરોધ પક્ષો અને ખાસ કરીને ભાજપ સાથે તેમનો ટકરાવ વધ્યો છે. પરંતુ આ રાજકીય લડાઈમાં અભિનેત્રીઓને નિશાન બનાવવાની પ્રથા સામે હવે દક્ષિણના અન્ય કલાકારો પણ ત્રિશાના સમર્થનમાં આવી રહ્યા છે.
આ ઘટનાએ તામિલનાડુના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ ભાજપ નેતા પાસે માફીની માંગ કરી રહ્યા છે, જ્યારે ત્રિશાની આ હિંમતભરી પ્રતિક્રિયાને લોકો 'રિયલ લાઈફ ક્વીન' કહીને વધાવી રહ્યા છે.

(5:52 PM IST)