<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

અબુ સાલેમની 'આઝાદી' ની આશા પર સુપ્રીમ કોર્ટનું ગ્રહણ: જેલમાંથી બહાર આવવાના ડોનના પેંતરા નિષ્ફળ

૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના ગુનેગાર અબુ સાલેમે ૨૫ વર્ષની સજા પૂરી થઈ હોવાનો દાવો કરી વહેલી મુક્તિ માંગી : પરંતુ કોર્ટે અરજી ફગાવી : હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે

નવી દિલ્હી:  અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ, જેણે એક સમયે મુંબઈને ધ્રુજાવ્યું હતું, તેને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સાલેમે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેણે જેલમાં ૨૫ વર્ષ પૂરા કરી લીધા છે અને છેલ્લા ૧૦ મહિનાથી તેને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જોકે, જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે આ દલીલોને ગ્રાહ્ય રાખી નહોતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જેલના રેકોર્ડ મુજબ તેણે હજુ માત્ર ૧૯ વર્ષની સજા જ કાપી છે. સાલેમની આ 'ગણિતની ભૂલ' તેને ભારે પડી છે અને હાલ તેને જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.

આ સમગ્ર વિવાદ પાછળ ભારત અને પોર્ટુગલ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ રહેલી છે. ૨૦૦૫માં જ્યારે સાલેમને ભારત લાવવામાં આવ્યો ત્યારે ભારત સરકારે વચન આપ્યું હતું કે તેને ૨૫ વર્ષથી વધુની સજા કરવામાં આવશે નહીં. સાલેમના વકીલોએ દાવો કર્યો હતો કે 'જેલ માફી'  ના નિયમો મુજબ ૨૫ વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે ટાડા કોર્ટના કડક વલણને ધ્યાને રાખીને જણાવ્યું કે હાઈકોર્ટે હજુ આ બાબતે અંતિમ નિર્ણય લીધો નથી, તેથી સીધી રાહત આપી શકાય નહીં.

અબુ સાલેમની મુક્તિ માટેની આ છેલ્લી કોશિશ પણ નિષ્ફળ જતાં હવે તેનો કેસ ફરી બોમ્બે હાઈકોર્ટમાં જશે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૩ના સીરીયલ બ્લાસ્ટ ઉપરાંત બિલ્ડર પ્રદીપ જૈનની હત્યા કેસમાં પણ તેને આજીવન કેદની સજા થયેલી છે. સાલેમની ઈચ્છા હતી કે ૨૦૨૪-૨૫ સુધીમાં તે જેલની બહાર આવી જાય, પરંતુ કાયદાકીય ગૂંચવણો અને સજાના ગણિતમાં આવેલી વિસંગતતાને કારણે તેની મુક્તિની તારીખ હજુ અનિશ્ચિત છે. હવે જોવાનું એ રહેશે કે બોમ્બે હાઈકોર્ટ આ 'ડોન' ના ભવિષ્ય પર શું મહોર મારે છે.

(6:27 PM IST)