<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

રાજપાલ યાદવ પર કોર્ટની લાલ આંખ: 'કોમેડી નહીં, હવે માત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ ચાલશે': જસ્ટિસ શર્માએ ફટકાર્યું અલ્ટીમેટમ

ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા અભિનેતાની FD દ્વારા પેમેન્ટ કરવાની દલીલ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ફગાવી : ૧.૫ કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવાની શરતે ૧૮ માર્ચ સુધી મળ્યા વચગાળાના જામીન

નવી દિલ્હી:  બોલિવૂડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવ અત્યારે રીઅલ લાઈફમાં મુશ્કેલીમાં મુકાયા છે. ૯ કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે અભિનેતા પ્રત્યે સખત વલણ અપનાવ્યું છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે રાજપાલ યાદવની એ વિનંતીને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી જેમાં તેમણે ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા રકમ ચૂકવવાની ઓફર કરી હતી. કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, ચુકવણી માત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ સ્વીકારવામાં આવશે. આ કાનૂની ગૂંચવણો વચ્ચે, રાજપાલ યાદવને ૧.૫ કરોડ રૂપિયાનો ડીડી જમા કરાવવાના આદેશ સાથે ૧૮ માર્ચ સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા, જેઓ દિલ્હી હાઈકોર્ટના અત્યંત બાહોશ અને કડક ન્યાયાધીશ માનવામાં આવે છે, તેમણે આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાનો ઇનકાર કર્યો હતો. રાજપાલ યાદવે પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે રાહત માંગી હતી, જેની સામે કોર્ટે ૪ મહત્વની શરતો અને અલ્ટીમેટમ જાહેર કર્યું છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ૧૮ માર્ચે અભિનેતાએ રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવું પડશે. જસ્ટિસ શર્મા તેમના ફોજદારી કાયદાના ઊંડા જ્ઞાન અને આર્થિક ગુનાઓ પ્રત્યેના ઝીરો ટોલરન્સ અભિગમ માટે જાણીતા છે, જેની ઝલક આ સુનાવણીમાં સ્પષ્ટ જોવા મળી હતી.

રાજપાલ યાદવ માટે આ કસોટીની ઘડી છે, કારણ કે અત્યાર સુધી તેમણે ૭.૫ મિલિયન જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં, બાકીની રકમ માટે ડીડી જમા કરાવવો ફરજિયાત છે. જો તેઓ નિયત સમયમાં ૧.૫ કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસ માત્ર એક નાણાકીય વિવાદ નથી, પરંતુ બોલિવૂડ સ્ટાર્સ માટે એક બોધપાઠ પણ છે કે કાયદાકીય પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવતી નથી. હવે સૌની નજર ૧૮ માર્ચ પર છે કે શું રાજપાલ યાદવ કોર્ટની શરતો પૂરી કરી શકશે કે નહીં.

(6:30 PM IST)