<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

CBSE બોર્ડનો સપાટો: પ્રથમ પરીક્ષામાં 'દાંડી' મારશો તો બીજી તક નહીં મળે: નિયમોમાં મોટો ફેરફાર!

વર્ષ ૨૦૨૬થી અમલી બનનારા નવા નિયમો હેઠળ ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓએ સાવધાન રહેવાની જરૂર : જો પહેલી મુખ્ય પરીક્ષામાં ૩ કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહ્યા તો સીધું વર્ષ બગડશે

નવી દિલ્હી:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને વર્ષ ૨૦૨૬થી અમલી બનનારી ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાઓ માટે એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. હવેથી વિદ્યાર્થીઓ 'બીજી પરીક્ષા' ના ભરોસે મુખ્ય પરીક્ષાને હળવાશથી લઈ શકશે નહીં. બોર્ડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ ફેબ્રુઆરીમાં યોજાનારી પ્રથમ મુખ્ય પરીક્ષામાં ત્રણ કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહેશે, તેમને તે જ વર્ષે યોજાનારી બીજી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આવા વિદ્યાર્થીઓને સીધા 'આવશ્યક પુનરાવર્તન'  શ્રેણીમાં મૂકી દેવામાં આવશે, જેનો અર્થ એ છે કે તેમણે હવે છેક આવતા વર્ષે જ પરીક્ષા આપવી પડશે.

બોર્ડની આ સ્પષ્ટતા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચર્ચા જાગી છે. અગાઉ એવી માન્યતા હતી કે જો કોઈ કારણસર પહેલી પરીક્ષા ચૂકી જવાય તો બીજી તકનો લાભ લઈ શકાશે, પરંતુ CBSE એ હવે લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. બીજી પરીક્ષાનો વિકલ્પ માત્ર તેવા વિદ્યાર્થીઓ માટે જ ખુલ્લો રહેશે જેઓ પહેલી પરીક્ષામાં પાસ થયા છે પરંતુ માર્ક્સ સુધારવા માંગે છે અથવા જેમને એક-બે વિષયમાં કમ્પાર્ટમેન્ટ (પુરક) આવી છે. કોઈપણ વ્યક્તિગત, તબીબી કે અન્ય કારણોસર પણ જો મુખ્ય પરીક્ષાના ૩ વિષયો છોડવામાં આવ્યા, તો બોર્ડ કોઈપણ વિનંતીને ધ્યાનમાં લીધા વગર વિદ્યાર્થીને ગેરલાયક ઠેરવશે.

આ ઉપરાંત, બોર્ડે વધારાના વિષયોના જોડાણ પર પણ નિયંત્રણો લાદ્યા છે. ધોરણ-૧૦ પાસ કર્યા પછી નવા અથવા વધારાના વિષયોની પરીક્ષા બીજી ટર્મમાં આપી શકાશે નહીં. આ નવા ફેરફારોનો મુખ્ય હેતુ પરીક્ષામાં શિસ્ત જાળવવાનો અને વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષાને ગંભીરતાથી લે તે સુનિશ્ચિત કરવાનો છે. વાલીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ બીજી પરીક્ષાને માત્ર એક 'બેકઅપ' તરીકે ન જુએ, કારણ કે તે માત્ર સુધારણા માટે છે, મુખ્ય પરીક્ષાના વિકલ્પ તરીકે નહીં. વિદ્યાર્થીઓએ હવે ફરજિયાતપણે પ્રથમ પરીક્ષાના તમામ વિષયોમાં હાજર રહેવું પડશે જેથી તેમનું શૈક્ષણિક વર્ષ બચી શકે.

(7:09 PM IST)