<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ભારત-ઈઝરાયેલ મૈત્રીનો નવો અધ્યાય: ૨૫ ફેબ્રુઆરીએ પીએમ મોદી જેરુસલેમમાં: નેતન્યાહૂએ કર્યું ભવ્ય સ્વાગતનું એલાન

પીએમ મોદી બે દિવસીય ઈઝરાયેલના પ્રવાસે જશે : નેતન્યાહૂએ અમેરિકન યહૂદી સંગઠનો સામે ગર્વભેર કરી જાહેરાત : ઈઝરાયેલની સંસદ 'નેસેટ'માં પીએમ મોદીના ઐતિહાસિક સંબોધન માટે પૂરજોશમાં ચાલી રહી છે તૈયારીઓ

જેરુસલેમ:  વૈશ્વિક રાજકારણની નજરો હવે મધ્ય-પૂર્વના આકાશ પર ટકેલી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલની મહત્વપૂર્ણ મુલાકાતે જઈ રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે અત્યંત ઉત્સાહપૂર્વક આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી હતી. મુખ્ય અમેરિકન યહૂદી સંગઠનોના પ્રમુખોના સંમેલનને સંબોધતી વખતે નેતન્યાહૂએ હસતા મુખે સભાને પૂછ્યું હતું કે, "આવતા અઠવાડિયે અહીં કોણ આવી રહ્યું છે?" અને પોતે જ જવાબ આપતા કહ્યું હતું કે, "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી." આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની ચર્ચા ફરી તેજ બની છે.

આ મુલાકાત માત્ર ઔપચારિક નહીં પરંતુ રણનીતિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. ઈઝરાયેલની સંસદ એટલે કે 'નેસેટ' માં પીએમ મોદીના સંબોધન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નેતન્યાહૂએ સંકેત આપ્યો હતો કે ઈઝરાયેલ તેના સૌથી ખાસ મિત્રના સ્વાગત માટે આતુર છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન સંરક્ષણ, ટેકનોલોજી, કૃષિ અને સાયબર સુરક્ષા જેવા મહત્વના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની પૂરેપૂરી સંભાવના છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેની આ 'અતુટ દોસ્તી' પશ્ચિમ એશિયાના બદલાતા સમીકરણોમાં ભારતની મજબૂત સ્થિતિનું પ્રતીક છે.

નોંધનીય છે કે પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વના અનેક દેશો ભારતની વિદેશ નીતિ અને આર્થિક તાકાતના કાયલ છે. નેતન્યાહૂએ તેમના સંબોધનમાં ભારત સાથેના સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વ્યક્તિગત મુલાકાત ઉપરાંત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની બેઠકો પણ યોજાશે. રક્ષણ અને આધુનિક હથિયારોના ઉત્પાદનમાં ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સહયોગને આ પ્રવાસથી નવી ગતિ મળશે. જેરુસલેમ અત્યારે પીએમ મોદીના સ્વાગત માટે શણગારાઈ રહ્યું છે, જે ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાની સાક્ષી પૂરે છે.

(7:10 PM IST)