News of Monday, 16th February 2026
ભારતીય આકાશમાં ગુંજશે સ્વદેશી ગર્જના: રાજનાથ સિંહે DRDO ને આપ્યું 5 વર્ષનું અલ્ટીમેટમ
બેંગલુરુની મુલાકાત દરમિયાન સંરક્ષણ પ્રધાનની મોટી જાહેરાત: જેટ એન્જિન ટેકનોલોજીમાં પરાવલંબન ખતમ કરવા DRDO ને સોંપાયું મિશન : હવે ભારત લક્ષ્ય રાખશે સીધું 6ઠ્ઠી પેઢીના ફાઈટર જેટ એન્જિન વિકસાવવા પર ભારતની નવી સંરક્ષણ વ્યૂહરચના

બેંગલુરુ: ભારતના સંરક્ષણ ક્ષેત્રને સંપૂર્ણપણે 'આત્મનિર્ભર' બનાવવાના મિશન સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બેંગલુરુ સ્થિત DRDO ની ગેસ ટર્બાઇન સંશોધન સંસ્થાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત માત્ર સમીક્ષા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેમણે વૈજ્ઞાનિકો સામે એક મોટો પડકાર ફેંક્યો છે. રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ભારત હવે લાંબો સમય બીજા દેશોની ટેકનોલોજી પર નિર્ભર રહી શકે નહીં. તમારી પાસે ૫ વર્ષ છે, આ સમયગાળામાં આપણે આપણા પોતાના જેટ એન્જિન તૈયાર કરવાના છે." આ નિવેદને સંરક્ષણ સંશોધન ક્ષેત્રે નવી ઉર્જા ફૂંકી છે.
જેટ એન્જિન ટેકનોલોજી વિશ્વની સૌથી જટિલ ટેકનોલોજીમાંની એક ગણાય છે, જે હાલમાં માત્ર ગણ્યાગાંઠ્યા દેશો પાસે જ છે. રાજનાથ સિંહે ભાર મૂકતા કહ્યું કે ભારત સરકારે એરો-એન્જિનના વિકાસ માટે તમામ સંસાધનો અને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે માત્ર વર્તમાન જરૂરિયાતો જ નહીં, પણ ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખીને DRDO ને સીધું ૬ઠ્ઠી પેઢીના જેટ એન્જિન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી છે. આ પગલું ભારતને વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રોની હરોળમાં લાવીને ઉભું કરી દેશે.
આ પ્રોજેક્ટની સફળતા ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે અત્યારે તેજસ જેવા સ્વદેશી ફાઈટર જેટ્સ માટે પણ આપણે વિદેશી એન્જિન (જેમ કે અમેરિકાનું GE એન્જિન) પર નિર્ભર રહેવું પડે છે. રાજનાથ સિંહે GTRE ના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે આ ૫ વર્ષ ભારતની સંરક્ષણ ક્ષમતાનો નકશો બદલી નાખશે. જો ભારત આ લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે, તો તે માત્ર પોતાની જરૂરિયાતો જ પૂરી નહીં કરે, પરંતુ ભવિષ્યમાં એરો-એન્જિન ટેકનોલોજીનો નિકાસકાર પણ બની શકશે. સંરક્ષણ પ્રધાનની આ મુલાકાતથી 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને પાંખો મળી છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
