News of Monday, 16th February 2026
બાંગ્લાદેશમાં 'તારિક રાજ' પહેલા BNPનો સપાટો: હિન્દુઓ પર હુમલો કરનારા નેતાઓને ઘરભેગા કર્યા!
વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા તારિક રહેમાને લાલ આંખ કરી: લઘુમતીઓની છેડતી અને તોડફોડમાં સામેલ પાંચ કદાવર નેતાઓ સામે લીધા કડક શિસ્તભંગના પગલાં : ભારતની ચિંતા વચ્ચે બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવા નવી સરકારનું પ્રથમ ડગલું

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનના ઐતિહાસિક પળ પહેલા બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો સંદેશ આપ્યો છે. મંગળવારે તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે, પરંતુ તે પહેલા તેમણે પોતાની પાર્ટીમાં રહેલા 'તોફાની તત્વો'ને બહારનો રસ્તો બતાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને લઘુમતી હિન્દુ સમુદાયની દુકાનોમાં તોડફોડ અને ખંડણી ઉઘરાવવાના ગંભીર આરોપોમાં સિરાજગંજના પાંચ નેતાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી બે પ્રભાવશાળી નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે, જ્યારે ત્રણ અન્યને કારણદર્શક નોટિસ ફટકારીને શિસ્તનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.
બાંગ્લાદેશની ૧૩મી સંસદીય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ તારિક રહેમાન સામે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સૌથી મોટો પડકાર છે. શેખ હસીનાના રાજીનામાં બાદ લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં થયેલા વધારાને કારણે ભારત સરકારે પણ અનેકવાર ચિંતા વ્યક્ત કરી હતી. આ સ્થિતિમાં, શપથ ગ્રહણ પહેલા કરવામાં આવેલી આ કાર્યવાહીને એક 'ડેમેજ કંટ્રોલ' અને 'સેક્યુલર ઈમેજ' ઊભી કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. પક્ષના મહાસચિવ સૈદુર રહેમાને સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં જો કોઈ પણ કાર્યકર કે નેતા લઘુમતીઓને ડરાવશે કે ધમકાવશે, તો તેમની સામે પોલીસ ફરિયાદની સાથે પક્ષમાંથી પણ કાયમી હકાલપટ્ટી કરવામાં આવશે.
જોકે, બાંગ્લાદેશમાં હજુ પણ સ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી નથી. ચૂંટણી પછીની હિંસામાં અનેક સ્થળોએ રક્તપાત થયો હોવાના અહેવાલો છે, જેમાં BNP ના પોતાના બે નેતાઓની પણ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તારિક રહેમાન મંગળવારે જ્યારે વડાપ્રધાન પદની કમાન સંભાળશે, ત્યારે વિશ્વની નજર એ વાત પર રહેશે કે તેઓ કેવી રીતે કટ્ટરપંથી તત્વોને કાબૂમાં રાખે છે અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. શિહાબ મંડલ અને મુસ્તફિઝુર રહેમાન મંડલ જેવા નેતાઓ પર થયેલી કાર્યવાહી એ વાતનો સંકેત છે કે નવી સરકાર હવે આંતરરાષ્ટ્રીય દબાણ અને સ્થાનિક શાંતિ વચ્ચે સંતુલન જાળવવાના મૂડમાં છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
