તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 16th February 2026
વિશ્વ પર પરમાણુ પ્રલયનું સંકટ: ૧૦૭ પરમાણુ બોમ્બ બનાવી શકાય તેવા યુરેનિયમ પર ISIS ની મેલી નજર!
નાઇજરના નિયામીમાં સંગ્રહિત ૧,૦૦૦ ટન યુરેનિયમ કબજે કરવા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ખૂની ખેલ : ફ્રેન્ચ સેનાની વિદાય બાદ સુરક્ષા વ્યવસ્થા નબળી પડતા આતંકીઓએ હુમલાની આપી ધમકી

નિયામી: આફ્રિકન દેશ નાઇજર અત્યારે એક ભયાનક પરમાણુ ખતરાના કેન્દ્રમાં છે. વિશ્વનું સૌથી ક્રૂર આતંકવાદી સંગઠન ISIS નાઇજરના પાટનગર નિયામીમાં સંગ્રહિત ૧,૦૦૦ ટન યુરેનિયમનો ભંડાર કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ જથ્થો વિશ્વના કુલ યુરેનિયમ ભંડારનો અંદાજે ૧૦ ટકા હિસ્સો છે. અગાઉ ફ્રેન્ચ કંપનીઓ દ્વારા સુરક્ષિત ગણાતો આ ભંડાર હવે સ્થાનિક સેનાના ભરોસે છે, જેનો ફાયદો ઉઠાવી આતંકીઓ વારંવાર હુમલાના પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં ISIS એ તેના મુખપત્ર 'અલ-નાબા' દ્વારા ખુલ્લી ધમકી આપી છે કે તેઓ આ ભંડારને મેળવવા માટે કોઈપણ હદ સુધી જશે.
વૈજ્ઞાનિક વિશ્લેષણ મુજબ, આ ૧,૦૦૦ ટન યુરેનિયમમાંથી જો U-235 આઇસોટોપને અલગ કરી ૯૦ ટકા સુધી સમૃદ્ધ કરવામાં આવે, તો તેમાંથી ૧૦૭ જેટલા વિનાશક પરમાણુ શસ્ત્રો બનાવી શકાય છે. હિરોશિમા પર ઝીંકાયેલા પરમાણુ બોમ્બમાં માત્ર ૬૫ કિલો સમૃદ્ધ યુરેનિયમનો ઉપયોગ થયો હતો, જેની સરખામણીએ આ જથ્થો સમગ્ર પૃથ્વીને તબાહ કરવા માટે પુરતો છે. જોકે, પરમાણુ હથિયાર બનાવવા માટે અત્યંત જટિલ સેન્ટ્રીફ્યુજ ટેકનોલોજીની જરૂર પડે છે, પરંતુ નિષ્ણાતો ચિંતિત છે કે આટલો મોટો કાચો માલ જો આતંકીઓના હાથમાં આવે તો તે 'ડર્ટી બોમ્બ' બનાવીને વિશ્વમાં હાહાકાર મચાવી શકે છે.
નાઇજરની વર્તમાન લશ્કરી સરકાર આ યુરેનિયમ વેચવા માટે રશિયા અને ચીન જેવા દેશો સાથે વાટાઘાટો કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર સમજૂતી થઈ શકી નથી. દરમિયાન, આંતરિક સંઘર્ષ અને નબળી સુરક્ષાને કારણે આ યુરેનિયમ 'ટાઇમ બોમ્બ' જેવું બની ગયું છે. યુએન સુરક્ષા એજન્સીઓ પણ આ બાબતે સતર્ક છે, કારણ કે પાકિસ્તાનથી લઈને આફ્રિકા સુધી ફેલાયેલું ISIS નું નેટવર્ક જો આ પરમાણુ સામગ્રી મેળવવામાં સફળ થાય, તો તે માનવજાત માટે અત્યાર સુધીનું સૌથી મોટું જોખમ સાબિત થશે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
