News of Monday, 16th February 2026
ટીમ ઈન્ડિયા સામે શરમજનક હાર બાદ પાકિસ્તાની ટીમ પર પસ્તાળ: ચાહકોનો આક્રોશ, કહ્યું - ટીમમાં ખેલાડી ઓછા અને મૌલવીઓ વધારે છે: રસ્તાઓ પર ઉતરીને પોતાના ગુસ્સાનો ઈઝહાર કર્યો
ચાહકોનું કહેવું છે કે ભારત જેવી મજબૂત ટીમ સામે જીતવા માટે જે માનસિક મજબૂતી અને તૈયારી જોઈએ તે પાકિસ્તાની ટીમમાં દેખાતી નથી: આ હાર બાદ પાકિસ્તાની ક્રિકેટમાં મોટા ફેરફારોની માંગ ઉઠી

મુંબઈ : ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ભારતીય ટીમના હાથે પાકિસ્તાનને મળેલી કારમી હાર બાદ સરહદ પાર પાકિસ્તાનમાં જબરદસ્ત હોબાળો મચી ગયો છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના પ્રદર્શનથી નારાજ થયેલી ત્યાંની જનતાએ સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર ઉતરીને પોતાના ગુસ્સાનો ઈઝહાર કર્યો છે. પરંપરાગત હરીફ ભારત સામેની હાર પાકિસ્તાની ચાહકો માટે હંમેશા પચાવવી મુશ્કેલ હોય છે, પરંતુ આ વખતે ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયો અને કમેન્ટ્સમાં પાકિસ્તાની નાગરિકો પોતાની ટીમને આડેહાથ લઈ રહ્યા છે.
સૌથી ચોંકાવનારી પ્રતિક્રિયા એક પાકિસ્તાની ચાહક તરફથી આવી છે, જેણે ટીમના ખેલાડીઓના ધ્યાન અને પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવ્યા છે. વાયરલ થયેલા એક નિવેદનમાં, એક પ્રશંસકે ટીકા કરતા કહ્યું હતું કે, "અમારી ટીમમાં હવે ખેલાડીઓ ઓછા અને મૌલવીઓ વધારે જોવા મળે છે."
આ કટાક્ષનો સીધો ઈશારો એ તરફ હતો કે ખેલાડીઓ મેદાન પર ક્રિકેટ અને ફિટનેસ પર ધ્યાન આપવાને બદલે ધાર્મિક ગતિવિધિઓ અને દેખાડા પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જેના કારણે તેમની રમતમાં ગિરાવટ આવી રહી છે. ચાહકોનું માનવું છે કે ક્રિકેટના મેદાન પર માત્ર ને માત્ર રમત અને રણનીતિ જ કામ આવે છે.
પાકિસ્તાની મીડિયામાં પણ આ હાર બાદ ટીમ મેનેજમેન્ટ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ની ટીકા થઈ રહી છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા વરિષ્ઠ ખેલાડીઓના પ્રદર્શન સામે પણ પ્રશ્નાર્થ ચિન્હો લાગ્યા છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ પણ ટીમની બોડી લેંગ્વેજ અને નબળી રણનીતિને વખોડી કાઢી છે.
ચાહકોનું કહેવું છે કે ભારત જેવી મજબૂત ટીમ સામે જીતવા માટે જે માનસિક મજબૂતી અને તૈયારી જોઈએ તે પાકિસ્તાની ટીમમાં દેખાતી નથી. આ હાર બાદ પાકિસ્તાની ક્રિકેટમાં મોટા ફેરફારોની માંગ પણ ઉઠી છે. સોશિયલ મીડિયા પર 'શેમ ઓન પીસીબી' જેવા હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
