<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

પાકિસ્તાની ક્રિકેટમાં 'મહાભારત': ભારત સામેની હાર બાદ બાબર અને શાહીનની છુટ્ટી નક્કી!

T20 વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન બાદ પીસીબીએ લીધો કઠોર નિર્ણય: સુપર-8માં ટકી રહેવા માટે નામિબિયા સામેની મેચમાં દિગ્ગજોને બેન્ચ પર બેસાડી યુવા લોહીને અજમાવશે પાકિસ્તાન : શું બાબર-શાહીન યુગનો અંત આવશે?

નવી દિલ્હી:  ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત સામેની ૬૧ રનની કારમી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટમાં જાણે ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસીન નકવી આ પ્રદર્શનથી એટલા નારાજ છે કે તેમણે મેચ પૂરી થાય તે પહેલા જ સ્ટેડિયમ છોડી દીધું હતું. અહેવાલો મુજબ, ટીમ મેનેજમેન્ટે હવે 'પૂરતું થયું' કહીને ટીમના સૌથી મોટા ચહેરાઓ ગણાતા બાબર આઝમ અને શાહીન આફ્રિદીને ટીમમાંથી પડતા મૂકવાની તૈયારી કરી લીધી છે. આ બંને ખેલાડીઓ ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા, જેનો રોષ અત્યારે આખા પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે.

ટીમ મેનેજર નાવેદ અકરમ ચીમા અને મુખ્ય કોચ માઈક હેસન વચ્ચે થયેલી મોડી રાતની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે બુધવારે નામિબિયા સામેની નિર્ણાયક મેચમાં બાબર અને શાહીનને બદલે સલમાન મિર્ઝા અને નસીમ શાહ જેવા ખેલાડીઓને તક આપવામાં આવશે. કોચ હેસને ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને ખરખરો સંભળાવતા કહ્યું કે આટલું નબળું પ્રદર્શન અસ્વીકાર્ય છે. જો નામિબિયા સામે આ નવા ફેરફારો સફળ રહેશે, તો બાબર અને શાહીન માટે વર્લ્ડ કપના દરવાજા કાયમ માટે બંધ થઈ શકે છે, કારણ કે મેનેજમેન્ટ હવે ખ્વાજા નાફે જેવા યુવા બેટ્સમેનો પર દાવ ખેલવા માંગે છે.

પાકિસ્તાન માટે હવે કરો કે મરો જેવી સ્થિતિ છે. યુએસએ અને નેધરલેન્ડ્સ જેવી નાની ટીમો સામે જીત્યા બાદ ભારત સામેની હારે તેમની નબળાઈઓ ખુલ્લી પાડી દીધી છે. નામિબિયા સામેની મેચ માત્ર જીતવા માટે જ નહીં, પરંતુ ટીમની શાખ બચાવવા માટે પણ મહત્વની છે. જો પાકિસ્તાન આ મેચમાં કોઈ પણ ભૂલ કરશે, તો તે સુપર-૮ ની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. ક્રિકેટના જાણકારો માને છે કે જો સિનિયર ખેલાડીઓને બહાર કરવામાં આવશે, તો તે પાકિસ્તાની ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત અથવા તો સંપૂર્ણ પતનની નિશાની બની શકે છે.

(8:16 PM IST)