<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

યુપીમાં 'વંદે માતરમ્' પર આમને-સામને યોગી અને અખિલેશ: 'બિષ્ટજી, તમારા અનરજિસ્ટર્ડ સંઘી સાથીઓએ ક્યારે ગાયું હતું રાષ્ટ્રગીત?'

મદરસા અને શાળાઓમાં વંદે માતરમ્ ફરજિયાત કરવાના આદેશથી રાજકીય ગરમાવો: સીએમ યોગીનો વળતો પ્રહાર - 'આનું અપમાન એ બંધારણ અને બાબા સાહેબનું અપમાન છે'

લખનૌ:ઉત્તર પ્રદેશની શાળાઓ અને મદરસાઓમાં 'વંદે માતરમ્' ગાવું ફરજિયાત કરવાના સરકારી આદેશ બાદ રાજ્યમાં રાજકીય હંગામો મચી ગયો છે. આ મુદ્દે સપા પ્રમુખ અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર અત્યંત તીખો અને કટાક્ષભર્યો પ્રહાર કર્યો છે, જેના કારણે યુપીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.
અખિલેશ યાદવે મુખ્યમંત્રી પર કટાક્ષ કરતા કહ્યું કે, "મુખ્યમંત્રી બિષ્ટ જી (યોગી આદિત્યનાથ) એ પહેલાં પોતાના લોકોને પૂછવું જોઈએ કે તેમના 'અનરજિસ્ટર્ડ સંઘી સાથીઓએ' ક્યારે વંદે માતરમ્ ગાયું હતું? જ્યારે આખો દેશ આઝાદીની લડાઈ લડતો હતો, ત્યારે તેઓ તો મુખબિરી (બાતમીદારી) કરવામાં વ્યસ્ત હતા." અખિલેશે વધુમાં ઉમેર્યું કે દેશભક્તિ કોઈના કહેવાથી સાબિત કરવાની જરૂર નથી.
બીજી તરફ, વિધાન પરિષદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ આદેશનું પૂરેપૂરું સમર્થન કરતા તેને દેશની 'આન-બાન-શાન' ગણાવી હતી. તેમણે સપા પર નિશાન સાધતા કહ્યું કે, "વંદે માતરમ્ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. આનું અપમાન કરવું એ માત્ર ગીતનું અપમાન નથી, પણ ભારતના બંધારણ અને ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન છે." યોગીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં દરેક શૈક્ષણિક સંસ્થાએ આ નિયમનું પાલન કરવું જ પડશે.
યોગી આદિત્યનાથે ગૃહમાં શાંતિ અને વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આજે ઉત્તર પ્રદેશમાં ન તો કોઈ દંગા છે, ન તો કર્ફ્યુ. બધું જ બરાબર (સબ ચંગા) ચાલી રહ્યું છે." આ નિવેદન દ્વારા તેમણે એવો સંકેત આપ્યો કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.
સરકારના આ આદેશને લઈને કેટલાક મદરસા સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે, જ્યારે ભાજપ અને તેના સાથી પક્ષો આને રાષ્ટ્રવાદના મજબૂત પગલા તરીકે જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે

(8:26 PM IST)