<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

અસમમાં રાજકીય હાઈ-વોલ્ટેજ ડ્રામા: સવારે કોંગ્રેસમાંથી રાજીનામું, બપોરે સીએમ હિમંતની ઓફર અને સાંજે 'ઘરવાપસી'!

ભૂપેન બોરાનું 'ટી-20' જેવું પ્રદર્શન: 32 વર્ષ જૂનો સંબંધ તોડવાની જાહેરાત બાદ ગૌરવ ગોગોઈ અને રાહુલ ગાંધીની એન્ટ્રી, ગણતરીના કલાકોમાં જ રાજીનામું પાછું ખેંચ્યું

ગુવાહાટી:અસમ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજે રાજ્યના રાજકારણમાં એક અજીબ 'રોલર-કોસ્ટર રાઈડ' જેવો માહોલ જોવા મળ્યો. અસમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ભૂપેન કુમાર બોરાએ સવારે અચાનક રાજીનામું આપીને ખળભળાટ મચાવ્યો હતો, પરંતુ રાજકીય દબાણ અને સમજાવટ બાદ સાંજે તેમણે ફરી કોંગ્રેસનો પંજો પકડી લીધો છે.
સોમવારે સવારે 8 વાગ્યે ભૂપેન બોરાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઈમેલ કરીને રાજીનામું ધરી દીધું. તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે પાર્ટીમાં તેમની ઉપેક્ષા થઈ રહી છે અને હાઈકમાન્ડ તેમની વાત સાંભળતું નથી. 32 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા બોરાની આ જાહેરાતથી કોંગ્રેસ છાવણીમાં ભૂકંપ આવી ગયો હતો.
બોરાના રાજીનામાના સમાચાર આવતાની સાથે જ ભાજપના 'ચાણક્ય' ગણાતા મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્મા એક્શનમાં આવ્યા. તેમણે બોરાને 'અસમ કોંગ્રેસના છેલ્લા હિન્દુ નેતા' ગણાવીને ભાજપમાં આવવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું. એટલું જ નહીં, સીએમએ તો ત્યાં સુધી કહી દીધું કે જો બોરા ભાજપમાં આવે તો તેમને 'સેફ સીટ' (સુરક્ષિત બેઠક) પણ આપવામાં આવશે અને તેઓ આવતીકાલે બોરાના ઘરે મુલાકાત પણ લેશે.
ભાજપના આમંત્રણ અને વધતા વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ અને રાજ્યના પ્રભારી ભંવર જિતેન્દ્ર સિંહ તરત જ ભૂપેન બોરાના ઘરે પહોંચ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ પોતે બોરા સાથે 15 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. અંતે, હાઈકમાન્ડના આશ્વાસન બાદ બોરા પીગળ્યા અને તેમણે જાહેર કર્યું કે તેઓ પોતાનું રાજીનામું પાછું ખેંચી રહ્યા છે.
ભૂપેન બોરાનું રાજીનામું પાછું ખેંચવું એ કોંગ્રેસ માટે મોટી રાહત છે, પરંતુ આ ઘટનાએ અસમ કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખાને જગજાહેર કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે સીએમ હિમંત બિશ્વા શર્મા બોરાના ઘરે 'ચા-પાણી' કરવા જાય છે કે પછી આ કાર્યક્રમ રદ થાય છે

(8:37 PM IST)