News of Monday, 16th February 2026
શેરબજારમાં ‘લાલબત્તી’: એક જ મહિનામાં પૈસા ડબલ કરનારા આ સ્ટોકથી ચેતજો! BSE એ રોકાણકારોને છેતરાતા બચવા જારી કરી મોટી એડવાઈઝરી
સિલ્વરલાઇન ટેક્નોલોજીસના શેરમાં 100% ના ઉછાળા બાદ એક્સચેન્જ સતર્ક: વોટ્સએપ અને ટેલિગ્રામ પર આવતી શંકાસ્પદ ટિપ્સથી દૂર રહેવા કડક સૂચના

મુંબઈ: શેરબજારમાં જ્યારે કોઈ શેર રોકેટની ગતિએ વધે ત્યારે રોકાણકારો મલકાતા હોય છે, પરંતુ ક્યારેક આ તેજી પાછળ મોટું જોખમ પણ છુપાયેલું હોય છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ અત્યારે સિલ્વરલાઇન ટેક્નોલોજીસ લિમિટેડ ના શેર અંગે રોકાણકારોને ગંભીર ચેતવણી આપી છે. એક્સચેન્જના મતે, આ સ્ટોક વિશે સોશિયલ મીડિયા પર ભ્રામક અને શંકાસ્પદ સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે.
એક મહિનામાં 100% રિટર્ન, પણ પાયો કાચો!: સિલ્વરલાઇન ટેક્નોલોજીસના શેરમાં છેલ્લા એક મહિનામાં આશરે 100% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. આજે એટલે કે 16 ફેબ્રુઆરીએ પણ આ શેર 5% ની અપર સર્કિટ સાથે ₹16.15 પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ વોલ્યુમ જે પહેલા માત્ર 31 લાખ શેર હતું, તે અચાનક વધીને 1 કરોડને પાર કરી ગયું છે. વોલ્યુમમાં આટલો મોટો ઉછાળો ઘણીવાર સટ્ટાખોરીનો સંકેત આપે છે.
કેમ સાવધ રહેવું જરૂરી છે?: એક્સચેન્જ ડેટા મુજબ, આ કંપનીના ફંડામેન્ટલ્સ અત્યંત નબળા દેખાય છે:
• પ્રમોટરોનો હિસ્સો: કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો લગભગ નહિવત્ (ઝીરો જેવો) છે.
• સંસ્થાકીય રોકાણકારો: કોઈ પણ વિદેશી (FII) કે સ્થાનિક (DII) સંસ્થાએ આમાં રોકાણ કર્યું નથી.
• જાહેર રોકાણકારો: કંપનીનો 94% હિસ્સો સામાન્ય જનતા પાસે છે, જે તેને અત્યંત જોખમી બનાવે છે.
સોશિયલ મીડિયા ઠગોથી બચો: BSE એ જણાવ્યું છે કે ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવી ચેનલો પર આ શેર ખરીદવાની 'ગેરંટીડ નફા' વાળી સલાહ આપવામાં આવી રહી છે. આવી સલાહ આપતી એન્ટિટીઝ સેબી સાથે નોંધાયેલી નથી. રોકાણકારોને લલચાવીને શેરના ભાવ વધાર્યા બાદ મોટા માથાઓ શેર વેચીને નીકળી જાય છે અને નાના રોકાણકારો ટોચના ભાવે ફસાઈ જાય છે (પમ્પ એન્ડ ડમ્પ).
BSE એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રોકાણકારોએ માત્ર અધિકૃત સ્ત્રોતો અને રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ પર જ ધ્યાન આપવું જોઈએ. કોઈપણ શેરમાં આંધળુકિયા રોકાણ કરતા પહેલા કંપનીના ડિસ્ક્લોઝર અને તેના બિઝનેસ મોડલની તપાસ કરવી અનિવાર્ય છે. સિલ્વરલાઇન ટેક્નોલોજીસ (સ્ક્રિપ્ટ કોડ: 500389) માં હાલમાં જોવા મળી રહેલી તેજી કોઈ પણ સમયે પરપોટાની જેમ ફૂટી શકે છે, માટે સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય છે
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
