<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

બિહારમાં મહિલાઓ રાજી રાજી: નીતીશ કુમારે ૨૫ લાખ મહિલાઓના ખાતામાં ૧૦-૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા, ૨,૫૦૦ કરોડની લ્હાણી

નીતીશ કુમારે 'મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના' અને સ્વયં સહાયતા જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે તિજોરીના દ્વાર ખોલી દીધા

બિહારની નીતીશ કુમાર સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં એક ઐતિહાસિક અને મોટું પગલું ભરતા રાજ્યની લાખો મહિલાઓને મોટી આર્થિક ભેટ આપી છે. પટનામાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારે 'મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના' અને સ્વયં સહાયતા જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે તિજોરીના દ્વાર ખોલી દીધા છે. એક જ ક્લિકથી મુખ્યમંત્રીએ રાજ્યની ૨૫ લાખ જેટલી મહિલાઓના બેંક ખાતામાં સીધા જ ૧૦-૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
આ રકમ કુલ ૨,૫૦૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાનો અને તેમને લઘુ ઉદ્યોગો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. 
નીતીશ કુમારે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, બિહારના વિકાસમાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. ખાસ કરીને 'જીવિકા દીદી' તરીકે ઓળખાતી સ્વયં સહાયતા જૂથની મહિલાઓએ ગ્રામીણ અર્થવ્યવસ્થાની કાયાપલટ કરી નાખી છે. સરકાર ઈચ્છે છે કે દરેક મહિલા પોતાના પગ પર ઉભી રહે અને સ્વરોજગાર દ્વારા પોતાના પરિવારનું ભરણપોષણ સન્માનભેર કરી શકે.
મળતી માહિતી મુજબ, આ રકમ જે મહિલાઓને મળી છે તેમાંથી ઘણી મહિલાઓ પશુપાલન, હસ્તકળા, નાના ઉદ્યોગો અને ખેતી સંલગ્ન વ્યવસાયો સાથે જોડાયેલી છે. 
સરકારે અગાઉ પણ મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં અનામત અને દારૂબંધી જેવા નિર્ણયો લઈને મહિલા મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા લેવાયેલા આ નિર્ણયને રાજકીય દૃષ્ટિએ પણ મહત્વનો માનવામાં આવે છે, પરંતુ જમીની સ્તરે આ આર્થિક મદદ લાખો ગરીબ પરિવારો માટે સંજીવની સમાન સાબિત થશે. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થી મહિલાઓએ સરકારના આ નિર્ણયને વધાવી લીધો હતો અને ખુશી વ્યક્ત કરી હતી

(9:41 PM IST)