<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

બેંક મેનેજરના કારનામા: ગ્રાહકોના લોકરમાંથી ૪ કરોડનું સોનું ચોરી ઓનલાઇન સટ્ટાબાજીમાં ઉડાવ્યું, છેવટે જેલના સળિયા પાછળ: કંઈકને બરબાદ કરી દીધા

આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે બેંકનું વાર્ષિક ઓડિટ થયું અને અમુક ગ્રાહકોએ પોતાના લોકર ચેક કર્યા. સોનું ગાયબ જોઈને ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હ

બેંગલુરુમાં એક સરકારી બેંકના મેનેજરે વિશ્વાસઘાતની તમામ હદો વટાવી દીધી છે. જે વ્યક્તિ પર ગ્રાહકોની જીવનભરની મૂડી સાચવવાની જવાબદારી હતી, તે જ ચોર નીકળ્યો. બેંગલુરુની એક રાષ્ટ્રીયકૃત બેંકની શાખામાં ફરજ બજાવતા મેનેજરે ગ્રાહકોના બેંક લોકરમાંથી લગભગ ૪ કરોડ રૂપિયાની કિંમતનું સોનું ચોરી લીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 
આટલી મોટી ચોરી પાછળનું કારણ મેનેજરને લાગેલી ઓનલાઇન સટ્ટાબાજીની લત હતી, જેમાં તેણે આ તમામ રકમ ગુમાવી દીધી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મેનેજર પાસે બેંકના લોકરોની માસ્ટર કી (ચાવી) રહેતી હતી. જ્યારે ગ્રાહકો પોતાનું સોનું લોકરમાં મૂકીને જતા હતા, ત્યારે તે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને લોકર ખોલતો હતો અને અસલી સોનાના દાગીના કાઢીને તેની જગ્યાએ તેવા જ દેખાતા નકલી દાગીના મૂકી દેતો હતો. જેથી ગ્રાહકોને શંકા ન જાય. 
તેણે ધીરે ધીરે કરીને અનેક ગ્રાહકોના લોકર સાફ કરી નાખ્યા હતા. આ ચોરેલું સોનું તેણે ગીરવે મૂકીને અથવા વેચીને રોકડ રકમ મેળવી હતી અને તે તમામ પૈસા ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજીની એપ્લિકેશન્સમાં લગાવી દીધા હતા.
આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે બેંકનું વાર્ષિક ઓડિટ થયું અને અમુક ગ્રાહકોએ પોતાના લોકર ચેક કર્યા. સોનું ગાયબ જોઈને ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. 
બેંકના ઉચ્ચ અધિકારીઓએ આંતરિક તપાસ કરતા મેનેજરની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી હતી. પોલીસે ફરિયાદના આધારે મેનેજરની ધરપકડ કરી લીધી છે. 
પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેને ઓનલાઇન સટ્ટાબાજીનું વ્યસન હતું અને દેવું વધી જતા તેણે આ રસ્તો અપનાવ્યો હતો. હાલમાં તે જેલની હવા ખાઈ રહ્યો છે અને તેણે માત્ર પૈસા જ નહીં પણ પોતાની પ્રતિષ્ઠા અને નોકરી પણ ગુમાવી છે

(9:48 PM IST)