<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

પાકિસ્તાનમાં 'ક્રિકેટ સર્જિકલ સ્ટ્રાઈક': ભારત સામેની હાર બાદ આર્મી ચીફ લાલચોળ: પીએમ હાઉસમાં નકવી વિરુદ્ધ ફરિયાદનો દોર!

મેદાનમાં હાર્યા પછી પાકિસ્તાની સત્તાના કેન્દ્રોમાં ભડકો: મુનીરે શરીફ સામે પીસીબીના વડા મોહસીન નકવીની ખોલી પોલ : સૈન્યનું નામ વિવાદમાં ખેંચવા બદલ નકવીનું પદ જોખમમાં

ઇસ્લામાબાદ:  કોલંબોના મેદાનમાં ભારત સામે પાકિસ્તાની ટીમની જે રીતે શરણાગતિ થઈ, તેની અસર હવે ઇસ્લામાબાદના પીએમ હાઉસ અને રાવલપિંડીના જીએચક્યુ સુધી પહોંચી છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર આ હારથી અત્યંત સ્તબ્ધ અને નારાજ છે. તેમણે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની મુલાકાતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નબળી તૈયારીઓ અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારી અંગે ઉગ્ર રજૂઆત કરી છે. પાકિસ્તાન માટે ભારત સામેની હાર માત્ર રમત નથી, પરંતુ 'ઈજ્જત'નો સવાલ હોય છે, અને આ હારે સૈન્યના ગૌરવને પણ ઠેસ પહોંચાડી હોવાનું મનાય છે.

વિવાદનું મુખ્ય કેન્દ્ર PCB ચેરમેન મોહસીન નકવીનું તે નિવેદન છે જેમાં તેમણે આર્મી ચીફનું નામ વગર વિચારે જાહેર મંચ પર લીધું હતું. ભારત અને ICC સાથેના વિવાદો દરમિયાન નકવીએ એમ કહી દીધું હતું કે "અમે કે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર કોઈનાથી ડરતા નથી." આ નિવેદન સૈન્યની પરવાનગી વગર આપવામાં આવ્યું હોવાથી સેનામાં ભારે રોષ છે. આર્મી ચીફનું માનવું છે કે રમતગમતના વહીવટી વિવાદોમાં સૈન્યને ઢાલ તરીકે વાપરવું એ શિસ્તનું ઉલ્લંઘન છે. ભારત સામેની ૬૧ રનની શરમજનક હાર બાદ આ ગુસ્સો હવે વિસ્ફોટક સ્તરે પહોંચી ગયો છે.

હવે પાકિસ્તાની રાજકારણમાં એવી ચર્ચાઓ જોર પકડી રહી છે કે મોહસીન નકવીની ખુરશી ગમે ત્યારે જઈ શકે છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ સૈન્ય અને જનતાના રોષને શાંત કરવા માટે ટૂંક સમયમાં જ PCB માં મોટા ફેરફારો કરી નવા ચેરમેનની નિમણૂક કરી શકે છે. પાકિસ્તાન માટે આ હાર હવે માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી રહી, પણ તે એક 'જીઓ-પોલિટિકલ' અને આંતરિક સત્તા સંઘર્ષનો વિષય બની ગઈ છે. જે રીતે પીએમ હાઉસમાં હિલચાલ તેજ થઈ છે, તે જોતા લાગે છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં અને બોર્ડમાં આગામી ૨૪ કલાકમાં મોટી 'વિકેટ' પડી શકે છે.

(10:01 PM IST)