<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ઇઝરાયલી પ્રવાસી પર ગેંગરેપ અને મિત્રની હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો: કર્ણાટકની કોર્ટે ત્રણેય નરાધમોને ફટકારી 'મોતની સજા'!

નહેરમાં ધકેલીને પ્રવાસીની નિર્મમ હત્યા અને બે મહિલાઓ સાથે દુષ્કર્મ; જજે ઘટનાને 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવી સંભળાવી ફાંસીની સજા - પીડિતોને આખરે મળ્યો ન્યાય

કોપ્પલ : કર્ણાટકના કોપ્પલ જિલ્લાની સેશન્સ કોર્ટે આજે એક એવો ચુકાદો આપ્યો છે જેણે સમગ્ર દેશમાં દાખલો બેસાડ્યો છે. એક ઇઝરાયલી પ્રવાસી સહિત બે મહિલાઓ પર ગેંગરેપ અને તેમના સાથી પ્રવાસીની કરપીણ હત્યાના કેસમાં કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આ ચુકાદાથી પ્રવાસન સ્થળો પર મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતા અપરાધીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું હતી એ કમકમાટીભરી ઘટના?
ગયા વર્ષે માર્ચ મહિનામાં બનેલી આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડી હતી. હમ્પી અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાતે આવેલા ઇઝરાયલી અને અન્ય પ્રવાસીઓને આ નરાધમોએ નિશાન બનાવ્યા હતા. દોષિતોએ માત્ર બે મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ જ નહોતું આચર્યું, પરંતુ તેમની સાથે રહેલા પુરુષ પ્રવાસીને નહેરમાં ધકેલી દઈ તેની હત્યા કરી નાખી હતી.
'દુર્લભમાં દુર્લભ' ગણાવી ફટકારી ફાંસી
ગંગાવતી જિલ્લા અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, આ અપરાધ અત્યંત ક્રૂર અને માનવતાને શર્મસાર કરનારો છે. કોર્ટે આ ઘટનાને 'દુર્લભમાં દુર્લભ' (Rare of the Rare) શ્રેણીમાં વર્ગીકૃત કરી હતી. ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે આવા ગુનેગારો સમાજ માટે જોખમરૂપ છે અને તેમને જીવતા રહેવાનો કોઈ અધિકાર નથી, તેથી મલ્લેશ ઉર્ફે હાંડીમલ્લા, સાઈ અને શરણપ્પા નામના ત્રણેય દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે.
ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધ્યો
આ ચુકાદા બાદ કાયદાકીય નિષ્ણાતો અને સ્ત્રી અધિકાર કાર્યકર્તાઓએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. ઇઝરાયલી દૂતાવાસે પણ ન્યાયિક પ્રક્રિયા પર નજર રાખી હતી. આ કડક સજા એવા અસામાજિક તત્વો માટે એક ચેતવણી સમાન છે જેઓ વિદેશી પ્રવાસીઓ અને મહિલાઓને અસુરક્ષિત સમજીને ગુના આચરે છે.
ગણતરીના સમયમાં તપાસ પૂર્ણ કરી અને દોષિતોને જેલના સળિયા પાછળથી ફાંસીના માંચડા સુધી પહોંચાડવાની પોલીસની કામગીરીને પણ લોકો બિરદાવી રહ્યા છે.

(10:06 PM IST)