News of Monday, 16th February 2026
મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષ હવે મંદિરના ઉંબરે: ધારાસભ્ય અબ્દુલ સત્તારની મુલાકાત બાદ ભાજપે ગૌમૂત્ર છાંટી મંદિરને ‘શુદ્ધ’ કર્યું
સિલ્લોદમાં હંગામો: મહાશિવરાત્રિએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચેલા શિવસેનાના મુસ્લિમ ધારાસભ્ય વિરુદ્ધ ભાજપના કાર્યકરોનો આક્રોશ, વીડિયો વાયરલ

છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના સિલ્લોદમાં એક એવી ઘટના બની છે જેણે રાજ્યના રાજકારણમાં નવો વિવાદ છેડી દીધો છે. શિવસેનાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અબ્દુલ સત્તાર રવિવારે મહાશિવરાત્રિ નિમિત્તે રહીમાબાદ સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે, તેમની આ મુલાકાત બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે કર્યું, તેનાથી સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો છે.
મંદિરમાં ‘શુદ્ધિ’ વિધિનો વીડિયો વાયરલ
ધારાસભ્ય સત્તાર મંદિરની બહાર નીકળ્યા કે તરત જ ભાજપના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા. તેઓએ ગૌમૂત્ર છાંટીને મંદિરની સફાઈ કરી અને દાવો કર્યો કે તેઓ મંદિરને ‘શુદ્ધ’ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કાર્યકરો મંત્રોચ્ચાર વચ્ચે ગૌમૂત્ર છાંટતા જોઈ શકાય છે.
Opens in a new window pilgrimdata.in
ભાજપનો આક્ષેપ: ‘સત્તાર બંને ધર્મના લોકોને મૂર્ખ બનાવે છે’
સિલ્લોદ ભાજપના પ્રમુખ મનોજ મોરેલુએ પત્રકારો સાથે વાત કરતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "સત્તાર ગાયનું માંસ ખાય છે અને તેમની મુલાકાતથી મંદિરની પવિત્રતા જોખમાઈ છે. તેઓ હમણાં જ હજ પઢીને આવ્યા છે અને હવે મંદિરમાં જઈને હિન્દુઓ અને મુસ્લિમો બંનેને મૂર્ખ બનાવી રહ્યા છે. આથી જ અમે ગૌમૂત્ર છાંટીને શુદ્ધિ કરી છે."
રાજકીય વિવાદ વકર્યો
મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં હોવા છતાં ભાજપ અને શિવસેના (સત્તાર જૂથ) વચ્ચેનો આ અણબનાવ હવે ધાર્મિક વળાંક લઈ રહ્યો છે. અબ્દુલ સત્તારના સમર્થકો આ ઘટનાને અપમાનજનક ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપ પોતાના સ્ટેન્ડ પર અડગ છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વે બનેલી આ ઘટનાને કારણે સિલ્લોદ પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
