<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

અસમ કોંગ્રેસમાં સવારથી સાંજ સુધી ‘રિઝોર્ટ પોલિટિક્સ’ જેવો રોમાંચ: ભૂપેન બોરાએ રાજીનામું આપીને ફેરવી તોળ્યું, હાઈકમાન્ડના મનામણાં ફળ્યા

સવારે 8 વાગ્યે ‘બળવો’ અને સાંજે ‘ઘરવાપસી’: રાહુલ ગાંધી સાથેની મિનીટોની વાતચીતે અસમમાં કોંગ્રેસનું ગાબડું પુરાયું, ભાજપની આશાઓ પર ફરી વળ્યું પાણી

ગુવાહાટી: અસમના રાજકારણમાં આજે એક જ દિવસમાં અનેક વળાંકો જોવા મળ્યા. અસમ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન બોરાએ સોમવારે સવારે અચાનક રાજીનામું આપીને કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાવી દીધો હતો. જોકે, આ આંચકો લાંબો સમય ટક્યો નહીં અને ગણતરીના કલાકોમાં જ તેમણે પોતાનો નિર્ણય બદલીને રાજીનામું પાછું ખેંચી લીધું છે.
 ભૂપેન બોરાએ આજે સવારે 8 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીમાં 32 વર્ષ આપ્યા હોવા છતાં તેમની અવગણના કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગયા વર્ષે ગૌરવ ગોગોઈને પ્રદેશની કમાન સોંપાયા બાદ બોરા નારાજ હોવાનું મનાતું હતું. મીડિયા સમક્ષ તેમણે કહ્યું હતું કે, "આ નિર્ણય મેં પાર્ટીના ભવિષ્યની ચિંતામાં લીધો છે."
 જેવા બોરાના રાજીનામાના સમાચાર વાયુવેગે ફેલાયા, કે તરત જ દિલ્હીથી કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય થઈ ગયું. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ પોતે ભૂપેન બોરા સાથે ફોન પર લાંબી ચર્ચા કરી અને તેમની ફરિયાદો સાંભળી હતી. આસામના પ્રભારી ભંવર જિતેન્દ્ર સિંહ પણ તાત્કાલિક મેદાનમાં ઉતર્યા અને બોરાને મનાવવામાં સફળ રહ્યા.
રાજીનામું પાછું ખેંચાયા બાદ ભંવર જિતેન્દ્ર સિંહે રાહતનો શ્વાસ લેતા જણાવ્યું કે, "ભૂપેન બોરા કોંગ્રેસ પરિવારના અભિન્ન અંગ છે. ક્યારેક પરિવારમાં વૈચારિક મતભેદો ઉભા થાય છે, પરંતુ કોંગ્રેસ પ્રમુખે તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી." તેમણે ઉમેર્યું કે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને હવે સૌ સાથે મળીને આગામી ચૂંટણી લડશે.
ભૂપેન બોરાના રાજીનામા બાદ અસમ ભાજપના નેતાઓ દ્વારા તેમને આવકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ બોરાના યુ-ટર્નથી ભાજપની આ ગણતરીઓ ઉંધી પડી છે. બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા બોરાની ઘરવાપસીથી અસમમાં કોંગ્રેસે મોટી પડતી રોકી લીધી છે

(9:26 PM IST)