News of Monday, 16th February 2026
ભાજપ સાંસદ નિશિકાંત દુબેનું વિવાદાસ્પદ નિવેદન: નેહરુને 'અય્યાશ' અને રાહુલ ગાંધીને 'ફટીચર' ગણાવ્યા
સ્મૃતિ ઈરાની સાથે પોતાની સરખામણી કરી બીજા 'સ્મૃતિ ઈરાની' બનવાની રાહ પર: ગાંધી પરિવારને નિશાન બનાવીને કેન્દ્રમાં મંત્રી બનવાનું લક્ષ્ય

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ સાંસદ નિશિકાંત દુબેએ મોદીની ખુલ્લેઆમ તારીફ કરતા કહ્યું કે મોદીજીએ તેમને ગાંધી પરિવાર પર પ્રહાર કરવા માટે 'ખુલ્લી છૂટ' આપી છે: જેમ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવીને પાર્ટીમાં મંત્રીપદ મેળવ્યું, તેમ તેઓ પણ ગાંધી પરિવારની પોલ ખોલી રહ્યા છે !
ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ સાંસદ નિશિકાંત દુબે ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. ઝારખંડના ગોડ્ડાના સાંસદ દુબેએ કોંગ્રેસ નેતૃત્વ અને ગાંધી પરિવાર પર અત્યંત તીખા અને અપમાનજનક પ્રહારો કર્યા છે. એક જનસભાને સંબોધતા તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમણે નેહરુને 'અય્યાશ' (મોજશોખ કરનાર) અને રાહુલ ગાંધીને 'ફટીચર' (ગરીબ/સામાન્ય) ગણાવી દીધા હતા.
નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખુલ્લેઆમ તારીફ કરતા કહ્યું હતું કે મોદીજીએ તેમને ગાંધી પરિવાર પર પ્રહાર કરવા માટે 'ખુલ્લી છૂટ' આપી છે. તેમણે કહ્યું કે જેમ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવીને અને ગાંધી પરિવાર પર સતત પ્રહારો કરીને પાર્ટીમાં મોટું કદ અને મંત્રીપદ મેળવ્યું છે, તેમ તેઓ પણ ગાંધી પરિવારની પોલ ખોલી રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નિશિકાંત દુબેનો ઈશારો એવો હતો કે તેઓ બીજા 'સ્મૃતિ ઈરાની' બનવાની રાહ પર છે અને ગાંધી પરિવારને નિશાન બનાવીને કેન્દ્રમાં મંત્રી બનવાનું લક્ષ્ય સેવી રહ્યા છે.
કોંગ્રેસે નિશિકાંત દુબેના આ નિવેદનની આકરી ટીકા કરી છે અને તેને અત્યંત નિંદનીય ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તાઓએ કહ્યું છે કે ભાજપના નેતાઓ પાસે વિકાસના મુદ્દા નથી એટલે તેઓ વ્યક્તિગત અને ઐતિહાસિક મહાપુરુષોનું અપમાન કરી રહ્યા છે. નેહરુ જેવા સ્વાતંત્ર્ય સેનાની માટે આવા શબ્દો વાપરવા તે ભાજપની માનસિકતા દર્શાવે છે.
નિશિકાંત દુબે અગાઉ પણ સંસદમાં અને સંસદની બહાર પોતાના આક્રમક વલણ અને મહુઆ મોઈત્રા સાથેના વિવાદને કારણે સમાચારોમાં રહી ચૂક્યા છે. તેમના આ તાજેતરના નિવેદને લોકસભાની આગામી કાર્યવાહી અને રાજકીય માહોલને વધુ ગરમ કરી દીધો છે.*
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
