News of Monday, 16th February 2026
લેન્ડ ફોર જોબ કૌભાંડ: કોર્ટમાં લાલુ યાદવ અને રાબડી દેવીએ કહ્યું - 'અમે નિર્દોષ છીએ, મુકદ્દમાનો સામનો કરીશું', આરોપો સ્વીકારવાનો ઇનકાર
રેલવેમાં ગ્રુપ-ડી ની નોકરીઓ આપવાના બદલામાં ઉમેદવારો પાસેથી મફતના ભાવે જમીનો પોતાના પરિવારના સભ્યોના નામે લખાવી લીધી: આ કૌભાંડમાં લાલુ પરિવારના અનેક સભ્યો અને નિકટના લોકો આરોપી

નવી દિલ્હી : લાલુ યાદવના વકીલોએ દલીલ કરી હતી કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે અને તેમાં કોઈ તથ્ય નથી: તપાસ એજન્સીઓનો દાવો છે કે તેમની પાસે જમીન ટ્રાન્સફર અને નોકરીના નિમણૂક પત્રો વચ્ચેના સીધા સંબંધના પૂરતા પુરાવા છે
રેલવેમાં નોકરીના બદલામાં જમીન લેવાના બહુચર્ચિત કૌભાંડ (લેન્ડ ફોર જોબ સ્કેમ) કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પત્ની રાબડી દેવીએ કોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે જજે તેમને પૂછ્યું કે શું તમે તમારી સામે લાગેલા આરોપો સ્વીકારો છો? ત્યારે લાલુ યાદવ અને રાબડી દેવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ના, અમે નિર્દોષ છીએ અને અમે મુકદ્દમાનો સામનો કરીશું." આ કેસમાં કોર્ટે આરોપીઓ સામે આરોપ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જે દરમિયાન આ સવાલ પૂછવામાં આવ્યો હતો.
નાદુરસ્ત તબિયતને કારણે લાલુ પ્રસાદ યાદવ વ્હીલચેર પર બેસીને કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમની સાથે રાબડી દેવી અને પુત્રી મીસા ભારતી પણ હાજર હતા. સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસમાં આરોપ છે કે જ્યારે લાલુ યાદવ યુપીએ સરકારમાં રેલવે મંત્રી હતા (વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૯), ત્યારે તેમણે રેલવેમાં ગ્રુપ-ડી ની નોકરીઓ આપવાના બદલામાં ઉમેદવારો પાસેથી અત્યંત ઓછી કિંમતે જમીનો પોતાના પરિવારના સભ્યોના નામે લખાવી લીધી હતી. આ કૌભાંડમાં લાલુ પરિવારના અનેક સભ્યો અને નિકટના લોકો આરોપી છે.
સુનાવણી દરમિયાન કોર્ટ પરિસરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લાલુ યાદવના વકીલોએ દલીલ કરી હતી કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે અને તેમાં કોઈ તથ્ય નથી. બીજી તરફ, તપાસ એજન્સીઓનો દાવો છે કે તેમની પાસે જમીન ટ્રાન્સફર અને નોકરીના નિમણૂક પત્રો વચ્ચેના સીધા સંબંધના પૂરતા પુરાવા છે. હવે જ્યારે લાલુ પરિવારે આરોપો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, ત્યારે કોર્ટમાં વિધિવત રીતે ટ્રાયલ શરૂ થશે. આ કેસ બિહારના રાજકારણ માટે પણ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
