News of Monday, 16th February 2026
રશિયન નેતા નવલનીના મોતનું રહસ્ય ખુલ્યું: દુર્લભ 'ડાર્ટ દેડકા'ના ઝેરથી ખેલ ખેલાયો હોવાનો પાંચ દેશોનો સનસનીખેજ દાવો
દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળતા ઘાતક 'એપિબેટીડાઇન' ઝેરનો ઉપયોગ કરી આર્કટિક જેલમાં હત્યા કરાઈ: બ્રિટન અને સાથી દેશોના આરોપથી રશિયા ઘેરાયું

લંડન : રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીના રહસ્યમય મોત મામલે અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્વીડન અને નેધરલેન્ડ્સે સંયુક્ત રીતે દાવો કર્યો છે કે નવલનીનું મૃત્યુ કુદરતી નહોતું, પરંતુ તેમને દક્ષિણ અમેરિકાના અત્યંત ઝેરી 'ડાર્ટ ફ્રોગ' (દેડકા) માંથી મળતા ઝેર દ્વારા પતાવી દેવામાં આવ્યા હતા.
શું છે આ 'ડાર્ટ દેડકા'નું ઝેર?
વૈજ્ઞાનિક તપાસમાં જાણવા મળ્યું છે કે નવલનીના શરીરમાં 'એપિબેટીડાઇન' (Epibatidine) નામનું તત્વ મળી આવ્યું છે. આ ઝેર માત્ર દક્ષિણ અમેરિકામાં જોવા મળતા તેજસ્વી રંગના નાના ડાર્ટ દેડકાઓની ચામડીમાં હોય છે. નિષ્ણાતોના મતે, આ ઝેર એટલું ઘાતક છે કે તે લોહીમાં ભળતાની સાથે જ હૃદયના ધબકારા ધીમા કરી દે છે અને લકવો મારી જાય છે. અંતે વ્યક્તિ ગૂંગળામણના કારણે અત્યંત પીડામાં મૃત્યુ પામે છે.
રશિયા પાસે 'સાધન, હેતુ અને તક' ત્રણેય હતા
પાંચ દેશોએ જારી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, રશિયામાં આ ઝેર કુદરતી રીતે ક્યાંય જોવા મળતું નથી. આ ઝેર મેળવવું અને તેનો ઉપયોગ કરવો એ સામાન્ય માણસનું કામ નથી. જેલમાં નવલનીની કડક સુરક્ષા વચ્ચે રશિયન સત્તાધીશો પાસે જ આ ઝેર આપવાનું 'સાધન અને તક' હતી. આ આંતરરાષ્ટ્રીય રાસાયણિક શસ્ત્રોના પ્રતિબંધના નિયમોનું સરેરાશ ઉલ્લંઘન ગણવામાં આવી રહ્યું છે.
નિષ્ણાતો પણ સ્તબ્ધ
લીડ્સ યુનિવર્સિટીના પ્રોફેસર અને ઝેરશાસ્ત્રના નિષ્ણાતો માને છે કે માનવ શરીરમાં આ ઝેરની હાજરી એ સ્પષ્ટ કરે છે કે તેને ઇરાદાપૂર્વક શરીરમાં દાખલ કરવામાં આવ્યું હતું. વળી, જંગલી દેડકામાંથી આ ઝેર કાઢવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને ખર્ચાળ છે, જે કોઈ મોટી સ્ટેટ એજન્સી જ કરી શકે.
પુતિન સરકારનો ઈનકાર
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2024માં આર્કટિક જેલમાં નવલનીનું મૃત્યુ થયું હતું. તેમની પત્ની યુલિયા નવલનાયાએ પહેલા દિવસથી જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે, રશિયન સરકારે હંમેશાની જેમ આ નવા આરોપોને પણ ફગાવી દીધા છે અને કોઈ પણ જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
આ નવા ખુલાસાએ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
