News of Monday, 16th February 2026
બ્રિટનમાં નોકરીઓ પર સંકટના વાદળો: લેબર સરકારના નવા કાયદાથી દર ત્રણમાંથી એક કંપનીએ ભરતી પર બ્રેક મારવાની તૈયારી કરી
નવા શ્રમ સુધારાઓ ઉદ્યોગપતિઓ માટે બન્યા માથાનો દુખાવો: કોરોના કાળ પછી પહેલીવાર ભરતીના ઉત્સાહમાં આટલો મોટો ઘટાડો, જાણો CIPD ના સર્વેના ચોંકાવનારા આંકડા

લંડન : બ્રિટનની કીર સ્ટાર્મર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા શ્રમ કાયદા (Labor Reforms) હવે સ્થાનિક નોકરીદાતાઓ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. તાજેતરમાં બહાર આવેલા એક મહત્વપૂર્ણ સર્વે મુજબ, સરકારના આ સુધારાઓને કારણે વધતા ખર્ચથી બચવા માટે યુકેના ૩૩% થી વધુ નોકરીદાતાઓએ કાયમી કર્મચારીઓની ભરતી ઘટાડવાનો નિર્ણય લીધો છે.
ભરતીનો ઉત્સાહ રેકોર્ડ સ્તરે ઘટ્યો
ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ એન્ડ ડેવલપમેન્ટ (CIPD) દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં જણાવાયું છે કે, કોરોના મહામારીના પહેલા વર્ષને બાદ કરતાં, અત્યારે બ્રિટનમાં ભરતીના ઇરાદા ઇતિહાસના સૌથી નીચલા સ્તરે છે. આ સ્થિતિ બ્રિટનના જોબ માર્કેટમાં ચાલી રહેલી મંદીને વધુ ઘેરી બનાવી શકે છે, જે અર્થતંત્ર માટે જોખમી સંકેત છે.
કાયદામાં એવું તે શું છે જેનો વિરોધ થઈ રહ્યો છે?
વડાપ્રધાન કીર સ્ટાર્મરની સરકારે ડિસેમ્બરમાં રોજગાર અધિકાર કાયદાને મંજૂરી અપાવી હતી. જોકે સરકારે કેટલીક શરતો નરમ કરી છે, પરંતુ બીમારીના રજાના પગાર (Sick Pay), શૂન્ય-કલાક કરાર (Zero-hour contracts) પર નિયંત્રણ અને ટ્રેડ યુનિયનના વધતા અધિકારો જેવા નિયમો યથાવત રાખ્યા છે.
કંપનીઓ પર પડશે વધારાનો બોજ
• ખર્ચમાં વધારો: ૭૫% નોકરીદાતાઓ માને છે કે આ સુધારાથી કર્મચારીઓ પાછળનો ખર્ચ વધશે. સરકારના અંદાજ મુજબ આ બોજ ૧ બિલિયન પાઉન્ડ ($૧.૪ બિલિયન) જેટલો છે, પણ કંપનીઓનું માનવું છે કે આંતરિક પોલિસી બદલવા અને સ્ટાફ ટ્રેનિંગનો ખર્ચ ગણતા આ આંકડો ઘણો મોટો થશે.
• કાર્યસ્થળ પર વિવાદ: અડધાથી વધુ કંપનીઓ ડરી રહી છે કે નવા નિયમોથી મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ કે વિવાદો વધશે.
નિષ્ણાતોની સલાહ
CIPD ના જાહેર નીતિના વડા બેન વિલ્મોટે જણાવ્યું છે કે, સરકારે આ નકારાત્મક અસરોને રોકવા માટે ઉદ્યોગ જગત સાથે અર્થપૂર્ણ ચર્ચા કરવી જોઈએ. જો સમાધાનકારી રસ્તો નહીં નીકળે, તો બ્રિટનના યુવાનો માટે નવી નોકરીઓ શોધવી મુશ્કેલ બની જશે.
આ સર્વે ૧૮ ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી વચ્ચે ૨,૦૮૨ નોકરીદાતાઓ સાથે વાતચીત કરીને તૈયાર કરવામાં આવ્યો છે, જે બ્રિટિશ અર્થતંત્રની હાલની ગંભીર સ્થિતિનો આયનો છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
