<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

નેપાળમાં ચૂંટણીનો શંખનાદ: 15 દિવસ સુધી જામશે પ્રચારનો જંગ, આચારસંહિતા ભંગ કરનાર ઉમેદવારોની હવે ખેર નથી

કાઠમંડુથી હિમાલયની તળેટી સુધી ગુંજશે લોકશાહીના સૂત્રો: ચૂંટણી પંચે જારી કરી 64 મુદ્દાની કડક માર્ગદર્શિકા, લાંચ-ભેટ અને બાળકોના ઉપયોગ પર સખત પ્રતિબંધ

કાઠમંડુ : ભારતના પાડોશી દેશ નેપાળમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. નેપાળના ચૂંટણી પંચે પ્રતિનિધિ સભાની આગામી ચૂંટણી માટે પ્રચારનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દીધું છે. આજની મધ્યરાત્રિથી એટલે કે 16 ફેબ્રુઆરીથી 2 માર્ચની મધ્યરાત્રિ સુધીના માત્ર 15 દિવસના ગાળામાં ઉમેદવારોએ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે.
ડિજિટલ પ્રચાર અને હોર્ડિંગ્સ પર બ્રેક
આ વખતે નેપાળ ચૂંટણી પંચે પ્રચાર પદ્ધતિમાં ભારે શિસ્ત લાદી છે. કોઈપણ ઉમેદવાર મોટા ડિજિટલ ડિસ્પ્લે, ફ્લેક્સ બોર્ડ કે ભવ્ય પોસ્ટરો લગાવી શકશે નહીં. માત્ર 300 ચોરસ ઇંચ સુધીની નાની પત્રિકાઓ વહેંચવાની મંજૂરી અપાઈ છે, તે પણ માત્ર એક જ રંગમાં. ધાર્મિક સ્થળો, સરકારી કચેરીઓ કે કોઈની ખાનગી મિલકત પર પરવાનગી વગર પ્રચાર સામગ્રી ચોંટાડવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
ભોજન સમારંભો અને રોકડ ભેટો પર લાલબત્તી
ચૂંટણીમાં મતદારોને લોભાવવા માટે અપાતી ભેટો, રોકડ અથવા જાહેર ભોજન (દાવતો) પર પંચે કડક પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ ઉમેદવાર મતદારને ડરાવશે, ધમકાવશે કે આર્થિક પ્રલોભન આપશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરનાર ઉમેદવારની મુશ્કેલીઓ વધી શકે છે.
ચૂંટણી ફંડ પર બાજ નજર
પારદર્શિતા લાવવા માટે પંચે આદેશ આપ્યો છે કે 25,000 રૂપિયાથી વધુનું કોઈપણ દાન ચેક અથવા બેંક ખાતા દ્વારા જ સ્વીકારી શકાશે. દરેક ઉમેદવારે પોતાના પ્રચાર ખર્ચનો હિસાબ દસ્તાવેજો સાથે રજૂ કરવો પડશે. સરકારી વાહનો કે સુરક્ષાકર્મીઓનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
48 કલાકનો 'સાઈલન્ટ પિરિયડ'
2 માર્ચની મધ્યરાત્રિએ પ્રચાર પડઘમ શાંત થઈ જશે. મતદાનના 48 કલાક પહેલાથી લઈને મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ સભા, રેલી કે સૂત્રોચ્ચાર કરી શકાશે નહીં. નેપાળમાં મુક્ત, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય તે માટે પંચે આ 64 મુદ્દાની માર્ગદર્શિકાને 'બ્રહ્મવાક્ય' ગણાવી છે.

(10:20 PM IST)