News of Monday, 16th February 2026
શબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક વળાંક: 9 જજોની ‘સુપર બેન્ચ’ કરશે રિવ્યુ, ધર્મ અને સમાનતાના જંગમાં આવશે આખરી ફેંસલો
7 એપ્રિલથી શરૂ થશે મેરેથોન સુનાવણી: માત્ર શબરીમાલા જ નહીં, પણ મસ્જિદમાં મહિલાઓનો પ્રવેશ અને પારસી મહિલાઓના અધિકારો પર પણ પડશે મોટી અસર

નવી દિલ્હી : ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં ખૂબ જ દુર્લભ ગણાતી ઘટના ફરી એકવાર આકાર લેવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટની 9 જજોની બનેલી બંધારણીય બેન્ચ આગામી 7 એપ્રિલથી 22 એપ્રિલ સુધી શબરીમાલા મંદિરના રિવ્યુ કેસની સુનાવણી કરશે. આ સુનાવણી માત્ર એક મંદિર પૂરતી સીમિત નથી, પરંતુ તે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અને લિંગ સમાનતાના ભવિષ્યને નક્કી કરશે.
શા માટે 9 જજોની બેન્ચની જરૂર પડી?
સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં 2 કે 3 જજોની બેન્ચ કેસો સાંભળતી હોય છે. શબરીમાલાનો મૂળ ચુકાદો (2018) 5 જજોની બેન્ચે આપ્યો હતો. પરંતુ, રિવ્યુ પિટિશનમાં એવા ગંભીર બંધારણીય પ્રશ્નો ઉભા થયા જે અગાઉના 7 જજોની બેન્ચના ચુકાદાઓને પણ અસર કરી શકે તેમ છે. ન્યાયિક વંશવેલા મુજબ, નાની બેન્ચ મોટી બેન્ચના ચુકાદાને બદલી શકતી નથી, તેથી આ વખતે 9 જજોની ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે.
સુનાવણીનું ટાઈમ ટેબલ જાહેર
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે કડક સમયપત્રક નક્કી કર્યું છે:
• 7 થી 9 એપ્રિલ: રિવ્યુની તરફેણ કરનારા પક્ષકારોની દલીલો.
• 14 થી 16 એપ્રિલ: રિવ્યુનો વિરોધ કરનારા (મૂળ અરજદારો) ની દલીલો.
• 21 એપ્રિલ: પ્રતિઉત્તર (Rejoinder) રજૂ કરવામાં આવશે.
• 22 એપ્રિલ: અંતિમ સુનાવણી અને એમિકસ ક્યુરી (કોર્ટના મિત્ર) ની રજૂઆત.
કયા સવાલોના જવાબ શોધશે કોર્ટ?
આ 9 જજોની બેન્ચ મુખ્યત્વે 7 બંધારણીય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સૌથી મહત્વનું છે: 'શું કોર્ટ ધર્મના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરી શકે?' આ ઉપરાંત, મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓનો પ્રવેશ, પારસી મહિલાઓના અધિકારો અને દાઉદી વ્હોરા સમુદાયની કેટલીક પરંપરાઓ પર પણ આ ચુકાદાની સીધી અસર પડશે.
ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય
ભારતીય ઇતિહાસમાં સૌથી મોટી બેન્ચ 1973માં 'કેશવાનંદ ભારતી' કેસમાં 13 જજોની બની હતી. ત્યારબાદ 11 અને હવે 9 જજોની આ બેન્ચ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે કારણ કે સુપ્રીમ કોર્ટના કુલ 34 જજોમાંથી લગભગ ત્રીજા ભાગના જજો એક જ કેસ પાછળ લાગશે.
કેન્દ્ર સરકારે પણ આ મામલે રિવ્યુ પિટિશનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે, જેનાથી આ કાયદાકીય જંગ વધુ રસપ્રદ બની ગયો છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
