<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

NRI પાસેથી મિલકત ખરીદવામાં આવશે તો હવે ટાન નંબર લેવો નહીં પડે

૫૦ લાખથી વધુની મિલકત ખરીદવા પર ૧ ટકા TDS ભરવાનો નિયમ : એનઆરઆઈ પાસેથી મિલકત ખરીદનારને ૧ ઓક્‍ટોબરથી રાહત મળશે

મુંબઈ,તા.૧૭: ૫૦ લાખથી વધુ કિમતની મિલકત ખરીદનારે એક ટકા ટીડીએસ ઇન્‍કમટેક્‍સ વિભાગમાં જમા કરાવવાનો હોય છે. જોકે તેના માટે ટાન નંબર લેવો જરૂરી હોતો નથી, પરંતુ એનઆરઆઈ પાસેથી મિલકતની ખરીદી કરવામાં આવે તો ટીડીએસ ભરવા માટે ફરજિયાત ટાન નંબર લેવાનો નિયમ બનાવવામાં આવ્‍યો છે. હાલમાં રજૂ કરવામાં આવેલા કેન્‍દ્રીય બજેટમાં તે માટે રાહત આપતો નિર્ણય કર્યો છે, કારણ કે આગામી ૧ ઓક્‍ટોબર ૨૦૨૬થી એનઆરઆઈ પાસેથી મિલકતની ખરીદી કરવામાં આવે તો પણ ટાન નંબર લીધા વિના પણ ટીડીએસની ચુકવણી કરી શકાશે.

ટીડીએસ રિટર્ન નિયમિત ભરનારાઓ ટાન નંબર લેતા હોય છે. જ્‍યારે કોઈ વખત જ ટીડીએસ ભરવાનો થાય તેવા કિસ્‍સામાં કરદાતા પાસે રહેલા પાન નંબરના આધારે ટીડીએસ ભરી શકાતો હોય છે. આ માટે પોર્ટલ પર જઈને પાન નંબરના આધારે ચલણ બનાવીને તે જમા કરાવવાનું હોય છે. તેવી જ રીતે મિલકત ખરીદવામાં આવે અને તે મિલકત ભારતીય નાગરિકની હોય અને તેની કિમત ૫૦ લાખ કરતાં વધુ હોય તેવા કિસ્‍સામાં એક ટકા ટીડીએસ ભરવાનો થાય છે. આ માટે મિલકત ખરીદનાર પોર્ટલ જઈને પાન નંબરના આધારે ટીડીએસ ભરવાનું ચલણ બનાવીને બેંકમાં તે રકમ જમા કરાવી દેતો હોય છે. જ્‍યારે મિલકત એનઆરઆઈ પાસેથી ખરીદવામાં આવે તેવા કિસ્‍સામાં મિલકત ખરીદનારે ટાન નંબર લઈને સમગ્ર કામગીરી કરવાની હોય છે. પરંતુ તેના કારણે મિલકત ખરીદનારને ભારે તકલીફ થતી હતી. બે પાંચ વર્ષમાં એકાદ વખત જ ટીડીએસ ભરવાનો હોય તો પણ ટાન નંબર લેવો પડતો હોય છે. આ સમસ્‍યાના નિરાકરણ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં એનઆરઆઈ પાસેથી મિલકતની ખરીદીમાં હવેથી ટાન નંબરના બદલે પાનકાર્ડના આધારે પણ ટીડીએસ ભરવાનો નિર્ણય કરાયો છે. જોકે તે આગામી ૧ ઓક્‍ટોબર ૨૦૨૬થી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેના લીધે એનઆરઆઇની મિલકત ખરીદવામાં આવ્‍યા બાદ ટાન નંબર લીધા વિના પણ ટીડીએસ ભરી શકાશે. આ ઉપરાંત મિલકત ખરીદનારે ટાન નંબર લેવાની ઝંઝટમાંથી પણ છુટકારો થવાનો છે. જોકે આ સિસ્‍ટમ કાર્યરત કરવા માટે અમલવારીમાં સમય થવાનો છે

(10:01 AM IST)