News of Tuesday, 17th February 2026
રૂ.૬૧,૭૦૦ કરોડના બેન્ક લોન ફ્રોડ કેસમાં વિડીયોકોનના ધૂત સહિત ૧૩ને નોટિસ
આ કેસમાં ગુનામાંથી રૂ.૧,૧૩૬.૪૯ કરોડની કમાણી થઈ હોવાનો દાવો

નવી દિલ્હી,તા.૧૭: દિલ્હીની એક અદાલતે રૂ.૬૧,૭૦૦ કરોડના બેન્ક લોન ફ્રોડ કેસમાં વિડીયોકોન ગ્રૂપના પ્રમોટર વેણુગોપાલ ધૂત ઉપરાંત અન્ય ડઝન એકમોને નોટિસ ફટકારી છે. આ અંગે માહિતી આપતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જણાવ્યું હતું કે, મોઝામ્બિકમાં કંપનીની ઓઈલ અને ગેસ અસ્ક્યામતો સાથે સંકળાયેલા બેન્ક લોનમાં છેતરપિડીના આ મામલે તેના દ્વારા ફાઈલ કરાયેલી ચાર્જશીટની નોંધ લઈ કોર્ટે આ નોટિસો ફટકારી છે.
આ અંગે ઈડીએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યાં અનુસાર, આ મામલે ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને રાઉઝ એવન્યુ સ્થિત પીએમએલએ કોર્ટે ૧૦ ફેબ્રુઆરીના રોજ તેની નોંધ લીધી હતી. આ સંદર્ભે પ્રતિભાવ માટે વિડીયોકોન જૂથનો સંપર્ક થઈ શક્યો નહોતો. આ એકમોમાં જ્યુપિટર કોર્પોરેશન, વિનસ કોર્પોરેશન, ઈગલ કોર્પોરેશન, પેરામાઉન્ટ ગ્લોબલ, ક્વોડ્રન્ટ કોર્પોરેશન, સ્કાય બિલિયન ટ્રેડિગ તથા ટીજીડીસી ગુઆંગડોંગ ડિસ્પ્લે કંપની લિમિટેડનો સમાવેશ થાય છે.
વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(વીઆઈએલ) તથા તેની જૂથ કંપનીઓ ૨૦૧૮માં એનપીએ જાહેર થઈ હતી અને બેન્કો દ્વારા એસબીએલસી (સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડિટ)ના સંદર્ભે રૂ.૨૩,૬૪૭.૧૨ કરોડની એનપીએ સહિત કુલ રૂ.૬૧,૭૭૩.૦૨ કરોડનો દાવો ફાઈલ કર્યો હતો. ઈડીએ આ કેસમાં ગુનામાંથી રૂ.૧,૧૩૬.૪૯ કરોડની કમાણી થઈ હોવાનું આકલન કર્યું છે. મની લોન્ડરિંગનો આ કેસ જૂન ૨૦૨૦માં સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર પર આધારિત છે.
એજન્સીના દાવા અનુસાર, કુલ ૪.૫૪ અબજ ડોલરની સુવિધામાંથી ૨.૦૨ અબજ ડોલર વિડીયોકોન ગ્રૂપના પ્રમોટરો દ્વારા અન્ય હેતુઓ માટે ડાયવર્ટ કરવામાં આવ્યા હતાં.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
