News of Tuesday, 17th February 2026
યુનુસે વિદાય લેતા પહેલા ‘સેવન સિસ્ટર્સ' કાર્ડ રમી ભારત વિરુદ્ધ દાવ ખેલ્યો
ચીન તરફી ઝુકાવ અને શેખ હસીનાના શાસનને ‘રાક્ષસના ચુંગાલ' સાથે સરખાવીને વિદાય લીધીઃ હવે તારિક રહેમાન સંભાળશે સત્તાની ધુરા વચગાળાની સરકારના વડાએ રાજીનામું આપતા પહેલા ઉત્તર-પૂર્વ ભારતના સાત રાજ્યોને ભારતથી અલગ ગણાવવાનો પ્રયાસ કર્યો

ઢાકા, તા.૧૭: બાંગ્લાદેશના રાજકારણમાં એક મોટા અધ્યાયનો અંત આવ્યો છે અને નવા સમીકરણોની શરૂઆત થઈ રહી છે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તેમના વિદાય ભાષણમાં ભારતનું નામ લીધા વિના જે રીતે સેવન સિસ્ટર્સ (ઉત્તર-પૂર્વ ભારતના સાત રાજ્યો) નો ઉલ્લેખ કર્યો, તેણે રાજદ્વારી ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો છે. યુનુસે આ પ્રદેશને લેન્ડલૉક્ડ ગણાવીને બાંગ્લાદેશને આ વિસ્તાર માટે હિંદ મહાસાગરના એકમાત્ર રક્ષક તરીકે પ્રોજેક્ટ કર્યો હતો. વિશ્લેષકો આ નિવેદનને ભારત પ્રત્યેની તેમની અદાવત અને ચીન પ્રત્યેના છૂપા પ્રેમ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે એપ્રિલ ૨૦૨૫માં તેમની બેઇજિંગ મુલાકાત વખતે પણ તેમણે આ જ રાગ આલાપ્યો હતો, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો.
વિદાય લેતા લેતા યુનુસે શેખ હસીનાના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે હસીનાના પતનને મુક્તિનો દિવસ ગણાવતા કહ્યું કે દેશના યુવાનોએ બાંગ્લાદેશને એક રાક્ષસના ચુંગાલમાંથી આઝાદ કરાવ્યું છે. તેમણે દાવો કર્યો કે તેમના ટૂંકા કાર્યકાળમાં બાંગ્લાદેશ હવે વિદેશી આદેશો પર ચાલનારો દેશ મટીને સ્વનિર્ણય લેવા સક્ષમ બન્યો છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે નેપાળ અને ભૂટાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધોની હિમાયત કરી, પરંતુ ભારત માટેના તેમના સંકેતો હંમેશા કડવાશભર્યા રહ્યા. તેમણે બાંગ્લાદેશને દક્ષિણ એશિયાના કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવાની વાત પર ભાર મૂકયો હતો.
નવી સરકારના સંભવિત વડા તારિક રહેમાનને સલાહ આપતા યુનુસે બ્લુ ઈકોનોમી અને બંદર વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો બાંગ્લાદેશ પોતાના બંદરોને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અપગ્રેડ નહીં કરે, તો તે આર્થિક રીતે પછડાઈ જશે. આ ઉપરાંત, તેમણે રોહિંગ્યા કટોકટીને બાંગ્લાદેશની આર્થિક સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. યુનુસના મતે, આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મુદ્દે હજુ જેટલી જોઈએ તેટલી સક્રિયતા દાખવી નથી, જે આગામી સરકાર માટે મોટો પડકાર બની રહેશે.
હવે જ્યારે ગ્ફભ્ પ્રમુખ તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે ભારત-બાંગ્લાદેશ સંબંધો કઈ દિશામાં જશે તે જોવું મહત્વનું રહેશે. યુનુસે સિક્કિમ સિવાયના સાત રાજ્યો (અરુણાચલ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા) જેમને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે, તેમની ભૌગોલિક સ્થિતિને જે રીતે રજૂ કરી છે, તેનાથી સરહદી સુરક્ષા અને વેપારી સંબંધોમાં નવી તણાવની રેખાઓ ખેંચાઈ શકે છે. શું નવી સરકાર યુનુસની આ ભારત-વિરોધી કટ્ટરતાને આગળ વધારશે કે પછી પ્રાદેશિક શાંતિ માટે સંતુલિત અભિગમ અપનાવશે, તેના પર સમગ્ર દક્ષિણ એશિયાની નજર છે. (
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
