<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

પોરબંદરના દરિયામાંથી ર૦૦ કિલો ડ્રગ્‍સ સાથે ર ઇરાની ઝડપાયા

એટીએસ અને ભારતીય કોસ્‍ટગાર્ડનું સંયુકત ઓપરેશન : ડ્રગ્‍સનો જથ્‍થો પોરબંદર લાવવામાં આવશે : ઝડપાયેલા ડ્રગ્‍સના જથ્‍થાની આંતરરાષ્‍ટ્રીય બજારમાં કરોડોની કિંમત : ગુજરાતમાંથી ૧૦ વર્ષમાં ૧૩ હજાર કરોડ રૂપિયાથી વધુ ડ્રગ્‍સ ઝડપાયું : અમદાવાદમાં એટીએસ દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને અરબી સમુદ્રમાં ર૦૦ કિલો ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપાયાંની વિગતવાર સત્તાવાર માહિતી જાહેર કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ : અરબી સમુદ્રમાં પોરબંદર નજીકથી ગુજરાત એટીએસ અને કોસ્‍ટગાર્ડે સંયુકત ઓપરેશન હાથ ધરીને ર૦૦ કિલો ડ્રગ્‍સના જથ્‍થા સાથે ર ઇરાની પેડલરોને પકડી લીધા હતાં.

આ ડ્રગ્‍સનો જથ્‍થો પોરબંદર લાવવામાં આવી રહ્યો છે. ઝડપાયેલા ર૦૦ કિલો ડ્રગ્‍સના જથ્‍થાની કિંમત આંતરરાષ્‍ટ્રીય બજારમાં કરોડોની થાય છે તેવો અંદાજ છે.

ગુજરાત એટીએસ (ATS) અને ભારતીય કોસ્‍ટ ગાર્ડેના સંયુક્‍ત ઓપરેશનમાં પોરબંદરના દરિયાઈ વિસ્‍તારમાંથી અંદાજે ૨૦૦ કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્‍થો ઝડપી પાડવામાં આવ્‍યો છે. આ ડ્રગ્‍સની આંતરરાષ્‍ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે.

ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મુજબ દરિયાઈ માર્ગે ડ્રગ્‍સનો એક મોટો જથ્‍થો ગુજરાતમાં ઘુસાડવામાં આવનાર છે. આ બાતમીના આધારે ભારતીય કોસ્‍ટ ગાર્ડની મદદ લેવામાં આવી હતી અને મધદરિયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોરબંદરના દરિયાઈ સીમામાં શંકાસ્‍પદ રીતે હિલચાલ કરતી એક બોટને સુરક્ષા એજન્‍સીઓએ આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી ૨૦૦ કિલોથી વધુ ડ્રગ્‍સ મળી આવ્‍યું હતું.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે કે, આ નશીલા પદાર્થોનો જથ્‍થો ઈરાનથી લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે બોટમાં સવાર બે ઈરાની શખ્‍સોની ધરપકડ કરી છે. આ શખ્‍સો ડ્રગ્‍સનો જથ્‍થો ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાના હતા અને આ આંતરરાષ્‍ટ્રીય રેકેટના તાર કયાં જોડાયેલા છે, તે દિશામાં એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્‍સ ઘુસાડવાની પ્રવળત્તિ પર અંકુશ મેળવાયા પછી ગુજરાતમાં ગેરકાયદે સિન્‍થેટીક ડ્રગ્‍સ બનાવતી ફેક્‍ટરીઓ ઉપર દરોડા પાડવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૫માં જ ગુજરાતમાંથી ૨૨૪૦ કરોડ રૂપિયાની કિંમતનું સિન્‍થેટીક ડ્રગ્‍સ પકડી પાડવામાં આવ્‍યું છે.

દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્‍ટરીઓ પકડી પાડવામાં આવી હતી. આ ફેક્‍ટરીઓમાંથી ૨૨૪૦ કરોડ રૂપિયાનું ૨૦૮૨૩ કિલો સિન્‍થેટીક ડ્રગ્‍સ પકડી પાડમાં આવ્‍યું છે. છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ ૧૩,૯૩૯ કરોડ રૂપિયાની કિંમતનું ૧.૭૪ લાખ કિલો સિન્‍થેટીક ડ્રગ્‍સ એજન્‍સીઓએ પકડી પાડ્‍યું છે. 

(3:21 PM IST)