News of Tuesday, 17th February 2026
હરિયાણામાં ગેંગવોરઃ કારમાં આવ્યા અને ધડાધડ ૨૨ ગોળીઓ મારી

રોહતક, તા.૧૭: હરિયાણાના રોહતકમાં શુક્રવારે થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ કાયદા અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. IG ઓફિસથી થોડા જ અંતરે દિલ્હી બાયપાસ પાસે અજાણ્યા શખ્સોએ દિનેશ ઉર્ફે ગોગા પર ૨૨ ગોળીઓ ચલાવી હતી. જેમાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. ભારે અવર-જવરવાળા રોડ પર બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી અને પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મળતક દિનેશ ગોગા પણ કુખ્યાત હોવાનું જાણવા મળ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરો એક ગાડીમાં આવ્યા હતા અને અચાનક ફાયરિંગ કરવા લાગ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને આખા વિસ્તારને ઘેરીને તપાસ શરૂ કરી દીધી હતી. આસપાસ લાગેલા CCTV કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી રહી છે. પોલીસને ઘટનાસ્થળેથી લગભગ ૨૮થી ૩૦ ગોળીઓના ખાલી કાર્ટ્રિજ મળ્યા છે.
આ ઘટનાના થોડા સમય પછી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ ગઈ, જેણે આ કેસને વધુ સનસનીખેજ બનાવી દીધો છે. પોસ્ટમાં જય ભોલે કી લખીને દાવો કરવામાં આવ્યો છે કે, દિનેશ ગોગાની હત્યા અમેરિકામાં બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અને મોસ્ટ વોન્ટેડ નીરજ ફરીદપુરિયાના ઈશારે કરાવવામાં આવી છે.
પોસ્ટમાં વધુમાં ધમકી આપતા અન્ય લોકોને પણ નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે, હજુ બીજા ૨-૪ કીડી-મકોડા છે, જેમનો સમય આવી ગયો છે. તેમજ તેમાં કેટલાક પોલીસકર્મીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે, અમે દેશના કાયદા અને ઈમાનદાર પોલીસનું સન્માન કરીએ છીએ, પરંતુ કેટલાક ભ્રષ્ટ પોલીસવાળાઓને કારણે આજે આ દિવસ જોવો પડી રહ્યો છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
