News of Tuesday, 17th February 2026
પંજાબમાં હાઈ-એલર્ટઃ મુખ્યમંત્રી ભગવંત માનને પોલોનિયમથી ખતમ કરવાની ખૌફનાક ધમકીઃ ફોર્ટિસ હોસ્પિટલ બની પોલીસ છાવણી
મોહાલીમાં દાખલ મુખ્યમંત્રી પર મંડરાતો ખતરોઃ પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહ જેવા હાલ કરવાની ઈમેલ દ્વારા અપાયેલી ધમકીને પગલે પંજાબ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ એક્શન મોડમાં: શાળાઓ અને હોસ્પિટલોમાં સઘન ચેકિંગ શરૂ

મોહાલી, તા.૧૭: પંજાબમાં હાલ રાજકીય અને સુરક્ષાના મોરચે ભારે ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી ભગવંત માન, જેઓ હાલમાં શારીરિક થાક અને નબળાઈને કારણે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી મળી છે. આ ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીને પોલોનિયમ નામના અત્યંત ઘાતક અને કિરણોત્સર્ગી રસાયણથી નિશાન બનાવવામાં આવ્યા છે.
આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખી હોસ્પિટલ અને આસપાસના વિસ્તારને લોખંડી પોલીસ બંદોબસ્ત હેઠળ મૂકી દેવામાં આવ્યો છે.
ધમકીભર્યા ઈમેલમાં કરવામાં આવેલો દાવો વધુ ચોંકાવનારો છે. તેમાં લખવામાં આવ્યું છે કે ભગવંત માનના હાલ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહ જેવા થશે, જેમની હત્યા ૧૯૯૫માં એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં કરવામાં આવી હતી. ઈમેલ મોકલનારે પોતાની ઓળખ ભાઈ દિલાવર સિંહના વારસદારો તરીકે આપી છે. ઉલ્લેખનીય છે કે દિલાવર સિંહ એ જ માનવ બોમ્બ હતો જેણે બિઅંત સિંહની હત્યા કરી હતી. આ ધમકીમાં પોલોનિયમ જેવા દુર્લભ ઝેરનો ઉલ્લેખ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે આ પદાર્થ અત્યંત સૂક્ષ્મ માત્રામાં પણ જીવલેણ સાબિત થાય છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
