News of Tuesday, 17th February 2026
અમેરિકામાં વસતા ભારતીયો માટે ખતરાની ઘંટડી: H-1B વિઝાની આડમાં દક્ષિણ એશિયનો વિરુદ્ધ વધતો ‘જાતિવાદ’ અને નફરત
ટેક્સાસના ફ્રિસ્કોમાં સિટી કાઉન્સિલની બેઠકમાં હંગામો; ભારતીયોને ‘કૌભાંડી’ કહી દેશનિકાલ કરવાની ઉગ્ર માંગ ઉઠી, ઓનલાઈન નફરતમાં ૧૧૫% નો ઉછાળો

ફ્રિસ્કો (ટેક્સાસ): તા.૧૭ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા અને ભારતીયોના ગઢ ગણાતા 'ફ્રિસ્કો' શહેરમાં તાજેતરમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે. એક સિટી કાઉન્સિલ મીટિંગ દરમિયાન, કેટલાક સ્થાનિક વક્તાઓએ H-1B વિઝા પ્રોગ્રામનો વિરોધ કરતા સીધો જ ભારતીયો પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભારતીયોએ શહેર પર ‘કબજો’ કરી લીધો છે અને તેઓ અમેરિકનોની નોકરીઓ છીનવી રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
વિવાદની શરૂઆત H-1B વિઝાને લગતા એક વાયરલ વીડિયોથી થઈ હતી. આ વિઝા પ્રોગ્રામ હેઠળ દર વર્ષે ૮૫,૦૦૦ કુશળ કામદારો અમેરિકા આવે છે, જેમાંથી લગભગ ૭૫% ભારતીયો હોય છે. ટીકાકારોનું કહેવું છે કે મોટી કંપનીઓ સસ્તા મજૂરો મેળવવા માટે અમેરિકન કામદારોને છૂટા કરીને ભારતીયોને નોકરીએ રાખે છે. જોકે, આ આર્થિક ચર્ચા હવે વ્યક્તિગત નફરત અને જાતિવાદમાં ફેરવાઈ ગઈ છે.
‘ધ ગ્રેટ રિપ્લેસમેન્ટ’ થિયરીનો ડર
જાતિવાદી તત્વો હવે ‘રિપ્લેસમેન્ટ થિયરી’નો સહારો લઈ રહ્યા છે. તેમનો દાવો છે કે પશ્ચિમી દેશોના નેતાઓ જાણીજોઈને શ્વેત અમેરિકનોની જગ્યાએ ઇમિગ્રન્ટ્સ (ખાસ કરીને ભારતીયો)ને લાવી રહ્યા છે જેથી તેમને સત્તાથી વંચિત કરી શકાય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ‘ડિપોર્ટ ઇન્ડિયન્સ’ (ભારતીયોને હાંકી કાઢો) જેવા હેશટેગ્સ અને મેસેજિસને કરોડો વ્યૂઝ મળી રહ્યા છે. સ્ટોપ AAPI હેટના રિપોર્ટ મુજબ, છેલ્લા બે વર્ષમાં દક્ષિણ એશિયનો વિરુદ્ધ અપશબ્દોના વપરાશમાં ૧૧૫% નો વધારો થયો છે.
રાજકારણમાં પણ ગરમાવો
આ નફરતનો ભોગ માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ વિવેક રામાસ્વામી અને જેડી વાન્સના પત્ની ઉષા વાન્સ જેવા હાઈ-પ્રોફાઈલ લોકો પણ બની રહ્યા છે. રામાસ્વામીને તેમના જ પક્ષના કેટલાક લોકો ‘ભારતીય એન્કર બેબી’ કહીને અપમાનિત કરી રહ્યા છે. ટેક્સાસના એટર્ની જનરલના ઉમેદવાર એરોન રીટ્ઝે તો ત્યાં સુધી કહી દીધું કે ટૂંક સમયમાં કાઉન્ટીઓના નામ બદલીને ‘કલકત્તા’ કે ‘દિલ્હી’ કાઉન્ટી રાખવા પડશે.
સ્થાનિક ભારતીયોની વેદના
ફ્રિસ્કોના રહેવાસી સુનિતા ચેરુવુએ જણાવ્યું કે, "અમારા બાળકો અહીં જ જન્મ્યા છે અને તેઓ પોતાને અમેરિકન માને છે. આ અમારું પણ ઘર છે." જોકે, વધતા જતા ઝેનોફોબિયા (પરદેશીઓ પ્રત્યેનો ડર)ને કારણે હવે લોકો પોતાની સુરક્ષા માટે ચિંતિત છે. એક તરફ ભારતીય પરિવારો દિવાળી જેવા તહેવારો ઉજવીને અમેરિકન સંસ્કૃતિમાં ભળવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ તેમની શૈક્ષણિક સફળતા અને આર્થિક સમૃદ્ધિ હવે ઈર્ષ્યા અને નફરતનું કારણ બની રહી છે.
ઐતિહાસિક સામ્યતા
નિષ્ણાતોના મતે, આ પરિસ્થિતિ ૧૦૦ વર્ષ પહેલાંની યાદ અપાવે છે જ્યારે ભારતીય મજૂરો સામે ‘હિન્દુ આક્રમણ’ના નારા લગાવીને ૧૯૧૭માં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. અત્યારે પણ જો આ રેટરિક ન અટકાવવામાં આવે, તો તે હિંસામાં પરિણમી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
