News of Tuesday, 17th February 2026
બોલિવૂડમાં ચિંતાનું મોજું: 'શોલે'ના સર્જક સલીમ ખાનની તબિયત લથડી, મુંબઈની હોસ્પિટલમાં ICUમાં દાખલ
૯૦ વર્ષીય સલીમ ખાનને જોવા શૂટિંગ અધવચ્ચે છોડી હોસ્પિટલ પહોંચ્યા સલમાન ખાન; દેશભરમાં ચાહકો કરી રહ્યા છે ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના

મુંબઈ: તા.૧૭ હિન્દી સિનેમાના સુવર્ણ યુગના સાક્ષી અને આઇકોનિક ફિલ્મોના પટકથા લેખક સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈને અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મંગળવારે સવારે અચાનક તબિયત બગડતા ૯૦ વર્ષીય સલીમ ખાનને મુંબઈની ખાનગી હોસ્પિટલ (લીલાવતી હોસ્પિટલ)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરોએ તેમને તાત્કાલિક આઈસીયુ (ICU)માં ખસેડ્યા છે.
સલમાન ખાન દોડીને હોસ્પિટલ પહોંચ્યો
પોતાના પિતાની તબિયત બગડવાના સમાચાર મળતા જ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના તમામ શૂટિંગ શેડ્યૂલ અને કામ પડતા મૂકીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. સલમાન સિવાય પરિવારના અન્ય સભ્યો પણ હોસ્પિટલ ખાતે હાજર છે. જોકે, ખાન પરિવાર તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ ૯૦ વર્ષની ઉંમરે સ્વાસ્થ્યમાં આવેલો આ ઘટાડો ચાહકો અને ફિલ્મ જગત માટે ચિંતાનો વિષય બન્યો છે.
ભારતીય સિનેમામાં ક્રાંતિ લાવનાર કલમ
સલીમ ખાને જાવેદ અખ્તર સાથે મળીને બોલિવૂડને એવી ફિલ્મો આપી છે જે આજે પણ 'કલ્ટ ક્લાસિક' ગણાય છે. 'જંજીર' દ્વારા અમિતાભ બચ્ચનને 'એન્ગ્રી યંગ મેન'ની ઓળખ અપાવનાર સલીમ ખાનની કલમમાંથી 'શોલે', 'દિવાર', 'ડોન' અને 'મિસ્ટર ઈન્ડિયા' જેવી માસ્ટરપીસ ફિલ્મો નીકળી છે. હજુ ગત ૨૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ તેમણે પોતાનો ૯૦મો જન્મદિવસ ઉજવ્યો હતો.
ચાહકોની પ્રાર્થનાનો દોર
સોશિયલ મીડિયા પર સલીમ ખાનના ઝડપી સુધારા માટે પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારો અને હજારો ચાહકો 'ગેટ વેલ સૂન'ના મેસેજ લખી રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, નિષ્ણાત ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહી છે.
સલીમ ખાનની યાદગાર ફિલ્મો:
• શોલે
• દિવાર
• જંજીર
• ડોન
• સીતા ઔર ગીતા
• મિસ્ટર ઈન્ડિયા
• હાથી મેરે સાથી
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
