<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ભારત-ફ્રાન્સની મૈત્રીમાં નવો અધ્યાય: "પધારો મારા મિત્ર," રાષ્ટ્રપતિ મેક્રોનના આગમન પૂર્વે પીએમ મોદીનો સોશિયલ મીડિયા પર ભાવભીનો સંદેશ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ત્રણ દિવસની ભારત મુલાકાતે; મુંબઈ અને દિલ્હીમાં વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે થશે મહત્વની બેઠક

નવી દિલ્હી: તા.૧૭ ભારત અને ફ્રાન્સ વચ્ચેના અતૂટ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજથી ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાના 'પ્રિય મિત્ર' મેક્રોનનું ઉષ્માભર્યું સ્વાગત કરતા એક ખાસ સંદેશ શેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પીએમ મોદીનો ખાસ સંદેશ
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, "ભારતમાં આપનું સ્વાગત છે! ભારત તમારી મુલાકાત અને આપણા પરસ્પર સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે આપણી ચર્ચાઓ વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવશે અને વિશ્વભરમાં પ્રગતિમાં ફાળો આપશે. મારા પ્રિય મિત્ર ઇમેન્યુઅલ મેક્રોન, મુંબઈમાં અને પછી દિલ્હીમાં મળીશું."
મેક્રોનનો મુંબઈથી દિલ્હી સુધીનો પ્રવાસ
પોતાના ભારત પ્રવાસ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ મુંબઈ અને નવી દિલ્હીની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે આતુર છે. તેમણે પીએમ મોદીને સંબોધતા કહ્યું, "સાથે મળીને આપણે આપણા સહયોગને વધુ આગળ લઈ જઈશું. કાલે મળીએ, મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી."
શા માટે મહત્વની છે આ મુલાકાત?
આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન સંરક્ષણ, અવકાશ વિજ્ઞાન, ગ્રીન એનર્જી અને ટેકનોલોજી જેવા મહત્વના ક્ષેત્રોમાં મોટા કરારો થવાની સંભાવના છે. મુંબઈમાં રાષ્ટ્રપતિ મેક્રોન ભારતીય ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે, ત્યારબાદ નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજાશે. વૈશ્વિક મંચ પર ભારત અને ફ્રાન્સની જોડી હંમેશા એકબીજાની પૂરક રહી છે, ત્યારે આ મુલાકાત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે.

(4:37 PM IST)