<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

વૃંદાવનની કુંજગલીઓમાં ભક્તિના રંગે રંગાયા ‘વિરુષ્કા’: સેલિબ્રિટી પ્રોટોકોલ તોડી સામાન્ય ભક્તોની જેમ સંત પ્રેમાનંદના ચરણોમાં બેઠા વિરાટ-અનુષ્કા

ગ્લેમરની દુનિયા છોડી આત્મિક શાંતિની શોધમાં કાન્હાની નગરી પહોંચ્યું સ્ટાર કપલ; કલાકો સુધી અન્ય શ્રદ્ધાળુઓ સાથે બેસીને માણ્યું સત્સંગનું અમૃત

વૃંદાવન: તા.૧૭ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર આસ્થાના રંગમાં ડૂબેલા જોવા મળ્યા છે. મંગળવારે આ સ્ટાર જોડી અચાનક કાન્હાની નગરી વૃંદાવન પહોંચી હતી, જ્યાં તેમણે વિખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જોકે, આ વખતની તેમની મુલાકાત અગાઉ કરતા સાવ અલગ અને સાદગીથી ભરપૂર હોવાથી સોશિયલ મીડિયા પર તેની ભારે પ્રશંસા થઈ રહી છે.
VIP ટ્રીટમેન્ટને તિલાંજલિ, સામાન્ય ભક્તો સાથે સત્સંગ
સામાન્ય રીતે મોટા સેલિબ્રિટીઝ સંતો સાથે બંધ બારણે ‘એકાંતિક વાર્તાલાપ’ કરતા હોય છે, પરંતુ વિરાટ અને અનુષ્કાએ આ વખતે પરંપરા તોડી હતી. પરિક્રમા માર્ગ પર આવેલા ‘શ્રી હિત રાધા કેલી કુંજ’ આશ્રમમાં જ્યારે પ્રવચન ચાલી રહ્યું હતું, ત્યારે આ જોડી કોઈ પણ વીઆઈપી પ્રોટોકોલ વગર અન્ય સામાન્ય શ્રદ્ધાળુઓની વચ્ચે જમીન પર બેસી ગઈ હતી. હાથ જોડીને અને મસ્તક ઝુકાવીને તેઓ કલાકો સુધી પ્રેમાનંદ મહારાજના વચનો સાંભળતા રહ્યા હતા. આશ્રમના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરાટ કોહલી મહારાજની વાતોથી એટલો પ્રભાવિત થયો હતો કે તે લાંબો સમય આત્મચિંતનની મુદ્રામાં જોવા મળ્યો હતો.
શાંતિની શોધ અને સાદગીનો સંગમ
ક્રિકેટના મેદાનની ગરમાગરમી અને ગ્લેમરની દુનિયાથી દૂર ‘વિરુષ્કા’ના ચહેરા પર એક અનોખી શાંતિ જોવા મળી હતી. છટીકરા માર્ગ પર આવેલી એક ખાનગી હોટલમાં રોકાયા બાદ, ચુસ્ત સુરક્ષા વચ્ચે તેઓ આશ્રમ પહોંચ્યા હતા. સંત પ્રેમાનંદ મહારાજ, જેઓ તેમના જ્ઞાનવર્ધક અને બેબાક પ્રવચનો માટે વિશ્વભરમાં જાણીતા છે, તેમણે આ જોડીને આશીર્વાદ આપ્યા હતા. અનુષ્કા શર્માએ પણ ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરી આત્મિક સુખની અનુભૂતિ કરી હતી.
ચાહકોનું ઉમટ્યું કીડીયારું
જેવા વિરાટ અને અનુષ્કાના વૃંદાવન આગમનના સમાચાર ફેલાયા, કે તરત જ આશ્રમની બહાર હજારો પ્રશંસકોની ભીડ જમા થઈ ગઈ હતી. સુરક્ષાકર્મીઓને ભીડ નિયંત્રિત કરવા માટે ભારે મશક્કત કરવી પડી હતી. જોકે, વિરાટ કોહલીએ પોતાની સાદગીથી લોકોના દિલ જીતી લીધા હતા. આશ્રમથી પરત ફરતી વખતે તેણે કારનો કાચ ઉતારીને હાથ હલાવી તમામ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.
સોશિયલ મીડિયા પર હાલ ‘વિરુષ્કા’ની આ ભક્તિમય તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ મૂળ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું એ જ આ જોડીની અસલી ઓળખ છે.

(4:30 PM IST)