News of Tuesday, 17th February 2026
દિલ્હીમાં ટેકનોલોજીના 'મહાકુંભ'માં શરમજનક સુરક્ષા છિદ્ર: PM મોદીના આગમન પૂર્વે હાઈ-પ્રોફાઈલ AI સમિટમાંથી લાખોના ઉપકરણોની ચોરી
બેંગલુરુના CEO નો ગંભીર આરોપ: "સુરક્ષા જવાનોના ભરોસે સામાન છોડ્યો અને સ્ટોલ સાફ થઈ ગયો"; હાઈ-સુરક્ષા ઝોનમાં બનેલી ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામીનો ભય

નવી દિલ્હી: તા.૧૭ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’માં એક અત્યંત નિરાશાજનક અને શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક તરફ વિશ્વના દિગ્ગજો જેવા કે સુંદર પિચાઈ અને બિલ ગેટ્સ AI ના ભવિષ્યની ચર્ચા કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ બેંગલુરુના એક યુવા ઉદ્યોગસાહસિકે હાઈ-સુરક્ષા ઝોનમાંથી તેના કિંમતી ઉપકરણો ચોરાઈ ગયા હોવાનો દાવો કર્યો છે.
CEO ની આકરા પ્રહારો સાથેની સોશિયલ મીડિયા પોસ્ટ
નિયોસેપિયન કંપનીના CEO ધનંજય યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખાલી પેકેટોના ફોટા શેર કરતા પોતાની વેદના ઠાલવી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સુરક્ષાના કારણોસર તેમને બૂથ ખાલી કરવા જણાવાયું હતું. જ્યારે તેમણે પોતાના પ્રોટોટાઈપ (AI વેરેબલ્સ) સાથે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે સુરક્ષા કર્મચારીઓએ ખાતરી આપી હતી કે સામાન સુરક્ષિત રહેશે. જોકે, ૬ કલાક પછી જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમના વર્ષોની મહેનતથી બનાવેલા ઉપકરણો ગાયબ હતા.
સુરક્ષા એજન્સીઓ પર સવાલ
યાદવે સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે તે વિસ્તારમાં માત્ર સુરક્ષા કર્મચારીઓ અને અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ હતો, ત્યારે આ ચોરી કેવી રીતે શક્ય છે? આ ઘટનાએ ભારતની ગ્લોબલ ઇવેન્ટ મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
