<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ખામેનીનો ટ્રમ્પને લલકાર: "અમેરિકાના શક્તિશાળી સૈન્યને એવી થપ્પડ વાગશે કે તે ઊભું નહીં થઈ શકે!"

ટ્રમ્પના સત્તા પર પરત ફર્યા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાએ યુદ્ધના નગારા વગાડ્યા : "અમારા રહસ્યમય શસ્ત્રો અમેરિકન યુદ્ધ જહાજોને સમુદ્રના તળિયે ડૂબાડી દેશે": વાટાઘાટોની તમામ શક્યતાઓ ફગાવી ખામેનીએ અમેરિકાને આપી સીધી ચેતવણી

તેહરાન:  પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મહાયુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીનો સૌથી આકરો પડકાર ફેંક્યો છે. ખામેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા ભલે ગમે તેટલી તાકાત લગાવી લે, પરંતુ તે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના અસ્તિત્વને મિટાવી શકશે નહીં. અમેરિકાની લશ્કરી શક્તિ પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, વિશ્વની સૌથી શક્તિશાળી સેના હોવાનો દાવો કરનાર દેશને ક્યારેક એવી 'થપ્પડ' મારી શકાય છે જેનો ઈલાજ તેમની પાસે નહીં હોય. આ નિવેદને વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે.

યુદ્ધના મેદાનમાં ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાના અમેરિકી ગર્વ પર પ્રહાર કરતા ખામેનીએ એક રહસ્યમય ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, અમેરિકાના વિશાળ યુદ્ધ જહાજો અને વિમાનવાહક જહાજો કરતાં પણ વધુ ખતરનાક શસ્ત્રો ઈરાન પાસે તૈયાર છે, જે પલક ઝપકાવતા જ અમેરિકન નૌકાદળને પર્સિયન ગલ્ફના ઊંડાણમાં ડૂબાડી શકે છે. ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ખામેનીનું આ નિવેદન સંકેત આપે છે કે ઈરાન હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક રણનીતિ અપનાવી રહ્યું છે. શાસન પરિવર્તનના અમેરિકી પ્રયાસો સામે ઈરાને પોતાની કમર કસી લીધી હોવાનું દેખાય છે.

અમેરિકા સાથે સંભવિત સમાધાન કે વાટાઘાટોના મુદ્દે પણ ખામેનીએ વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કોઈપણ મજબૂત પાયા વિનાની ચર્ચાઓને 'મૂર્ખામી' ગણાવીને ફગાવી દીધી છે. પરમાણુ કરારના પતન બાદ લાદવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધોને કારણે બંને દેશો વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ છે. ખામેનીએ તાજેતરમાં પવિત્ર તીર્થસ્થાનની મુલાકાત લેતા અને ત્યાંથી આ પ્રકારના કડક નિવેદનો આપતા રણનીતિકારો માની રહ્યા છે કે ઈરાન કોઈ મોટી લશ્કરી જાહેરાત અથવા પરમાણુ ક્ષમતાના પ્રદર્શન તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે.

(6:16 PM IST)