<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ગ્લોબલ AI સમિટમાં 'ડિજિટલ ઇન્ડિયા'ની આબરૂના ધજાગરા: હાઈ-પ્રોફાઈલ ઇવેન્ટમાં અવ્યવસ્થા બદલ મંત્રી અશ્વિની વૈષ્ણવે માગી માફી

Wi-Fi ગાયબ, કલાકો સુધી લાંબી કતારો અને જમીન પર બેસવા મજબૂર બન્યા ટેક-દિગ્ગજો; ચોરીના આક્ષેપો અને UPI ઠપ્પ થતા સરકારની ભારે ફજેતી

નવી દિલ્હી:  રાજધાનીના ભારત મંડપમ ખાતે આયોજિત 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026' ના પ્રથમ દિવસે સર્જાયેલી ભારે અવ્યવસ્થા બાદ આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરમાં માફી માગી છે. ભારતની ટેકનોલોજીકલ ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મેનેજમેન્ટની ગંભીર ખામીઓ સામે આવતા સોશિયલ મીડિયા પર સરકારની આકરી ટીકા થઈ રહી છે.
ટેક સમિટમાં જ ટેકનોલોજીનો ફિયાસ્કો
આશ્ચર્યની વાત એ છે કે જે સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ભવિષ્યની વાતો થઈ રહી હતી, ત્યાં પાયાની સુવિધા જેવું Wi-Fi જ કામ કરતું નહોતું. ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે ડિજિટલ પેમેન્ટ અને UPI ટ્રાન્ઝેક્શન ઠપ્પ થઈ ગયા હતા, જેના કારણે મહેમાનોએ ખાણીપીણીના સ્ટોલ પર રોકડ વ્યવહાર કરવા માટે મજબૂર થવું પડ્યું હતું. નોંધણીની સિસ્ટમ વારંવાર ક્રેશ થતી હતી અને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવનાર અનેક સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને પ્રવેશ માટે ૩ કલાક સુધી કતારોમાં ઊભા રહેવું પડ્યું હતું.
 
સુરક્ષાના નામે 'સ્ટોલ' ખાલી કરાવ્યા અને ચોરી થઈ
સમિટમાં સૌથી શરમજનક સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે સુરક્ષા તપાસના નામે ઉદ્યોગસાહસિકોને તેમના સ્ટોલ અને બૂથ પરથી હટાવી દેવામાં આવ્યા. આ સમય દરમિયાન કેટલાક હાઈ-ટેક ઉપકરણોની ચોરી થઈ હોવાના આરોપો પણ લાગ્યા છે. ઘણા સ્થાપકોએ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, તેમને બેઠક વ્યવસ્થાના અભાવે જમીન પર બેસવું પડ્યું હતું અને સત્રોના સમયનું કોઈ ઠેકાણું નહોતું.
 
મંત્રીની માફી અને આબરૂ બચાવવાનો પ્રયાસ
સમિટના બીજા દિવસે બોલતા અશ્વિની વૈષ્ણવે કહ્યું, "પ્રથમ દિવસે હિસ્સેદારોને જે અસુવિધાનો સામનો કરવો પડ્યો તે બદલ હું દિલગીર છું અને માફી માંગુ છું." ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં હજુ સુંદર પિચાઈ અને સેમ ઓલ્ટમેન જેવા વૈશ્વિક નેતાઓ આવવાના છે. ત્યારે પ્રથમ દિવસની આ અવ્યવસ્થા ભારતની 'ગ્લોબલ ટેક લીડર' તરીકેની છબીને નુકસાન પહોંચાડી શકે છે.
હાલ તો બાકીના દિવસોમાં વ્યવસ્થા સુધારવા માટે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે, પરંતુ ટેક જગતમાં આ 'ડિજિટલ મિસમેનેજમેન્ટ'ની ચર્ચા અટકવાનું નામ નથી લઈ રહી.

(7:08 PM IST)