News of Tuesday, 17th February 2026
ઈન્દોરમાં હૈવાનિયતની પરાકાષ્ઠા: MBA વિદ્યાર્થીએ પ્રેમિકાની હત્યા બાદ લાશ સાથે ગુજાર્યો બળાત્કાર, ‘આત્મા’ સાથે વાત કરવા કરી તાંત્રિક વિધિઓ
શારીરિક સંબંધની ના પાડતા નરાધમે ગળું દબાવી લીધો જીવ; લાશ પાસે બેસીને બીયર પીધો અને પાપ છુપાવવા મેલીવિદ્યાનો સહારો લીધો - મુંબઈથી ધરપકડ

ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાંથી એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. એક ૨૪ વર્ષીય MBA વિદ્યાર્થી પીયૂષ ધમનોટિયાએ તેની જ પ્રેમિકાની નિર્મમ હત્યા કર્યા બાદ લાશ સાથે જે કૃત્ય કર્યું છે, તેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે. આરોપીએ માત્ર હત્યા જ નહોતી કરી, પરંતુ તેના મૃતદેહનો દુરુપયોગ કરી ‘કાળા જાદુ’ દ્વારા તેની આત્મા સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
હત્યાની ભયાનક કહાની
પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, ૧૦ ફેબ્રુઆરીના રોજ પીયૂષ અને તેની ૨૪ વર્ષીય પ્રેમિકા ઈન્દોરના દ્વારકાપુરી વિસ્તારના એક મકાનમાં હતા. યુવતી બીમાર હોવાથી તેણે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા પીયૂષે તેના પર બળજબરી કરી અને તેની છાતી પર ત્યાં સુધી બેસી રહ્યો જ્યાં સુધી તેનો શ્વાસ ન અટકી ગયો. યુવતીના મોતના ખાતરી કરવા તેણે છરીથી પણ હુમલો કર્યો હતો.
મૃતદેહ સાથે સેક્સ અને અઘોરી વિધિ
હત્યા કર્યા પછી પણ આરોપીની હૈવાનિયત અટકી નહોતી. તે બહાર જઈને બીયર ખરીદી લાવ્યો અને પ્રેમિકાની લાશ પાસે બેસીને દારૂ પીધો હતો. ત્યારબાદ તેણે મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ રૂમમાં અગરબત્તી અને ધૂપ પ્રગટાવીને ‘મેલીવિદ્યા’ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે ‘કાળા જાદુ’ દ્વારા તેની પ્રેમિકાની આત્માને બોલાવીને માફી માંગવા માંગતો હતો અને તેની સાથે વાત કરવા ઈચ્છતો હતો.
CCTV અને દુર્ગંધે ખોલ્યો રાઝ
ઘટનાના ત્રણ દિવસ બાદ, ૧૩ ફેબ્રુઆરીએ જ્યારે બંધ મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગી ત્યારે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડીને જોયું તો અંદર યુવતીનો નગ્ન અને સડી ગયેલો મૃતદેહ પડ્યો હતો. CCTV ફૂટેજ તપાસતા ૧૦ ફેબ્રુઆરીએ બંને અંદર જતા દેખાયા હતા, પણ બહાર માત્ર પીયૂષ જ નીકળ્યો હતો.
મુંબઈથી ઝડપાયો આરોપી
ઈન્દોર પોલીસે મુંબઈ પોલીસની મદદથી આરોપી પીયૂષને મહારાષ્ટ્રના પનવેલથી દબોચી લીધો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પીયૂષને શંકા હતી કે તેની ગર્લફ્રેન્ડ અન્ય પુરુષો સાથે વાત કરે છે, જેનો બદલો લેવા તેણે આ ખૌફનાક કાવતરું ઘડ્યું હતું. હાલમાં આરોપી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને વધુ તપાસ ચાલુ છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
