<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

બારામતી વિમાન દુર્ઘટનામાં ‘બ્લેક બોક્સ’ બળી ગયું? સંજય રાઉતના સનસનીખેજ સવાલ; અજિત પવારના મોત પાછળ ષડયંત્રની આશંકા

“જે બ્લેક બોક્સ ૨૦ વર્ષે પણ મળી આવે છે, તે અજિત દાદાના કેસમાં કેવી રીતે બળી ગયું?” – રોહિત પવારના આરોપોને રાઉતનું સમર્થન; ‘મોટા નેતા’ સાથેની મુલાકાત અને છેલ્લી ઘડીના ફેરફારો પર ઉઠ્યા સવાલ

મુંબઈ:  મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના ૨૮ જાન્યુઆરીના રોજ થયેલા આકસ્મિક નિધન બાદ હવે આ મામલે રાજકીય વળાંક આવ્યો છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે મંગળવારે પત્રકાર પરિષદમાં આ દુર્ઘટનાના ટેકનિકલ પાસાઓ પર ગંભીર સવાલો ઉઠાવતા તેને "રહસ્યમય" ગણાવી છે. પવાર પરિવારની શંકાઓને ટેકો આપતા રાઉતે તપાસ એજન્સીઓના દાવાઓ પર આકરા પ્રહારો કર્યા છે.
બ્લેક બોક્સ પર ઉઠ્યા સવાલ
સંજય રાઉતે જણાવ્યું કે, "અજિત પવારની ફ્લાઈટનું બ્લેક બોક્સ બળી ગયું હોવાની વાત પચાવવી મુશ્કેલ છે. સામાન્ય રીતે વિમાનના બ્લેક બોક્સ એવી રીતે બનાવવામાં આવે છે કે તે ભયાનક આગમાં પણ સુરક્ષિત રહે. જે બ્લેક બોક્સ ૨૦ વર્ષ પછી પણ કાટમાળમાંથી મળી આવતા હોય, તે આ કેસમાં કેવી રીતે નાશ પામ્યા? આ અત્યંત ગંભીર બાબત છે અને સરકારનો ઈરાદો શંકાસ્પદ જણાય છે."
 
રોહિત પવારનો ‘ષડયંત્ર’નો આરોપ
NCP (શરદચંદ્ર પવાર) ના નેતા રોહિત પવારે આ ઘટનાને માત્ર અકસ્માત નહીં પણ એક સુનિયોજિત ‘કાવતરું’ ગણાવ્યું છે. તેમણે કેટલાંક ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા:
•    છેલ્લી ઘડીએ ફેરફાર: અજિત પવાર અકસ્માતના આગલા દિવસે મુંબઈથી પુણે કાર દ્વારા આવવાના હતા અને તેમનો કાફલો પણ નીકળી ગયો હતો, પરંતુ અચાનક તેમણે પ્લાન બદલ્યો હતો.
•    રહસ્યમય મુલાકાત: એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ‘મોટા નેતા’ સાથેની મુલાકાત બાદ તેમના પ્રવાસના સમય અને માધ્યમમાં ફેરફાર થયો હતો.
•    ડ્રાઈવર થીયરી: રોહિત પવારે એક પુસ્તકનો હવાલો આપતા કહ્યું કે, જો કોઈને મારવું હોય તો તેના ડ્રાઈવરને ટાર્ગેટ કરવો સૌથી સહેલો રસ્તો છે. શું પાયલોટ કે વિમાન સાથે આવી જ કોઈ છેડછાડ થઈ હતી?
 
શું હતું સમગ્ર પ્રકરણ?
૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ અજિત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે તેમનું ચાર્ટર્ડ વિમાન રનવે પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. શરૂઆતમાં ખરાબ વિઝિબિલિટી (ધુમ્મસ) ને કારણ માનવામાં આવ્યું હતું, પરંતુ હવે બ્લેક બોક્સની સ્થિતિ અને ટેકનિકલ ખામીઓના અહેવાલોએ નવા વિવાદને જન્મ આપ્યો છે.
મહારાષ્ટ્રમાં આ મુદ્દે અત્યારે ભારે આક્રોશ છે અને વિપક્ષ હવે આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસની માંગ કરી રહ્યો છે.

(7:13 PM IST)